લીમલી જુથ અથડામણ મામલે કોળી સમાજના જુથની જિલ્લા પોલીસ વડાને રજૂઆત
- અન્ય પોલીસ અધિકારીને તપાસ સોંપવા માંગ
- સામેના પક્ષ વિરૂદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો ના નોંધ્યો હોવાનો આક્ષેપ
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના લીમલી ગામે બે દિવસ પહેલા અલગ-અલગ જ્ઞાાતિના બે જુથો વચ્ચે હિંસક જુથ અથડામણનો બનાવ બન્યો હતો. જેમાં ૧૨ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જે મામલે બન્ને પક્ષો દ્વારા સામસામે ૨૯ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે કોળી સમાજના જુથ દ્વારા સુરેન્દ્રનગર ડીએસપી કચેરી ખાતે જિલ્લા પોલીસવડાને લેખીત રજૂઆત કરીને આ બનાવની તપાસ અન્ય પોલીસ અધિકારીને સોંપવાની માંગ કરી હતી.
લીમલી ગામે અલગ-અલગ જ્ઞાાતિના બે જુથો વચ્ચે હિંસક હથિયારો વડે જુથ અથડામણનો બનાવ બન્યો હતો. જેમાં બન્ને પક્ષના મહિલાઓ સહિત ૧૨ જેટલા જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જે અંગે મુળી પોલીસ મથકે સામસામે ૨૯ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.
ત્યારે આ બનાવ અંગે કોળી સમાજના જુથ દ્વારા આગેવાનોને સાથે રાખી જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાને લેખીત રજૂઆત કરી હતી. જેમાં મુળી પોલીસ દ્વારા સામાપક્ષના આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ ન કર્યો હોવાનું તેમજ ફરિયાદમાં અમુક આરોપીઓના પુરા નામ ખબર હોવા છતાં ઈરાદાપૂર્વક તેમને બચાવવા માટે અધુરા નામ લખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત અમુક વ્યક્તિઓ બનાવ વખતે હાજર ન હોવા છતાં તેમના નામો પણ ફરિયાદમાં લખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને ખોટી રીતે નિર્દોષ વ્યક્તિઓની સંડોવણી કરવામાં આવી હોવાની રજુઆત કરી હતી.
તેમજ આ બનાવ અંગેની તપાસ અન્ય પોલીસ અધિકારીને સોંપવામાં આવે અને ન્યાયિક અને નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.