Get The App

વઢવાણના કોઠારીયા નજીક ફાયરીંગના બનાવમાં ખુદ ફરીયાદી જ આરોપી નિકળ્યા

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
વઢવાણના કોઠારીયા નજીક ફાયરીંગના બનાવમાં ખુદ ફરીયાદી જ આરોપી નિકળ્યા 1 - image


- પ્લોટની બોલાચાલીમાં આરોપી પિતા પુત્રએ જાતે જ પોતાની કાર પર ફાયરીંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી

- પ્લોટ બાબતે બે શબ્સોને ખોટા કેસમાં ફસાવવા જાતે જ ફાયરીંગનું નાટક કર્યું હતું

સુરેન્દ્રનગર : વઢવાણ કોઠારીયા રોડ પર અંદાજે પાંચ દિવસ પહેલા કારમાં જઇ રહેલા શખ્સ પર ફાયરીંગનો બનાવ બન્યો હતો જેમાં કાર પર બે થી ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયાં હતા પરંતુ આ મામલે કોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ ન હતી ત્યારે આ મામલે વઢવાણ પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરતાં ફાયરીંગના બનાવમાં ભોગ બનનાર પિતા પુત્રએ જાતે જ પોતાની કાર પર ફાયરીંગ કરી સમગ્ર બનાવ ઉપજાવી કાઢયો હોવાની વિગતો બહાર આવતા આ મામલે પિતા પુત્ર વિરૃધ્ધ વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વઢવાણના કોઠારિયા ગામ પાસે આવેલી કેનાલ પાસેથી કાર લઈને પસાર થઈ રહેલા અકબરભાઈ મલેકની કાર પર યાકુબશા અયુબશા દિવાન અને તેના ભાઇ યુનુશ અયુબશા દિવાન દ્વારા ફાયરિંગ કરાયું હોવાની  સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલ રૃમને જાણ કરવામાં આવી હતી. 

આ અંગે પોલીસે વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલા કમાન્ડ કન્ટ્રોલ રૃમ, અલગ-અલગ કારખાના, શો-રૃમ સહિતના સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસી હતી. તેમજ ઘટનાસ્થળની આસપાસના લોકોના નિવેદન લીધા હતા. સીસીટીવી ફૂટેજ તપાસતા ફાયરિંગનો બનાવ ખોટો અને બનાવટી ઉભો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે અકબરભાઈની સઘન પુછપરછ હાથ ધરી હતી. 

ત્યારે અકબરભાઈ મલેકને યુનુસ અયુબશા દિવાન તથા યાકુબ અયુબશા દિવાન અને તેમના પરિવારજનો સાથે બોલાચાલી ચાલતી હતી. તેમજ પ્લોટ બાબતનું મનદુઃખ રાખી બન્નેને ખોટા કેસમાં પુરાવી દેવાના ઈરાદે પિતા અને પુત્રએ પ્લાનિંગ કરી પોલીસને ખોટી હકિકત જણાવી ગેરમાર્ગે દોર્યા હોવાનું સામે આવ્યું હતું. 

આથી પોલીસે ફરિયાદી બની ફાયરિંગનું તરકટ રચનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News