પ્રેમલગ્ન બાબતે બજાણાના યુવકના પિતાની ઘાતકી હત્યાના કેસમાં એક આરોપીને આજીવન કેદ
- યુવતિના પિતા સહિત ચાર શખ્સોએ યુવક અને તેના પિતા પર હુમલો કર્યો હતો
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના બજાણા ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કર્યા હતા આ બાબત દિકરીના પરિવારને ગમતી ન હોય વર્ષ ૨૦૧૮માં ચાર શખ્સોએ યુવાન અને તેના પિતા પર હુમલો કરી પિતાને છાતીમાં છરીના ઘા ઝીક્યા હતા જેમાં ધ્રાંગધ્રા એડીશ્નલ સેશન્સ કોર્ટે એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
પાટડીના બજાણા ગામે રહેતા ઈકબાલખાન રહેમતખાન મલેકે ભીખુશા ચાંદશા ફકીરની દિકરી જાઈદા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા તા.૨૮-૦૫-૨૦૧૮ના રોજ ઈકબાલખાન અને તેમના પિતા રહેમતખાન બજાણાની એક હોટલે ચા પીવા બેઠા હતા ત્યારે હનિફખાન હબીબખાન મલેક, મોશીનશા ભીખુશા, અમજદખાન દરિયાખાન મલેક અને ભીખુશા ચાંદશા ફકીર હાથમાં લાકડી લઈને ઘસી આવ્યા હતા અને પિતા પુત્રને ગાળો ભાંડી હતી જેમાં પિતા પુત્રએ ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા હનિફખાને રહેમતખાનની છાતીમાં છરીના ઘા ઝીંક્યા હતા. આ સમયે ઈકબાલખાન પિતાને બચાવવા જતા તેઓને પણ ઈજા પહોંચી હતી જ્યારે અન્ય ત્રણ શખ્સોએ લાકડી વડે માર માર્યો હતો પિતા પુત્રને સારવાર માટે લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગેનો કેસ ધ્રાંગધ્રા એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી.એચ.ભટ્ટની ધારદાર દલીલોને ધ્યાને લઈ જજ એમ.પી.ચૌધરીએ જજમેન્ટ આપ્યું હતું જેમાં હનીફખાન મલેકને હત્યાના ગુન્હામાં દોષીત ઠેરવી આજીવન કેદની સજા ફટકારાઈ છે જ્યારે મોહસીનખાન ભીખુશાને બે વર્ષથી સજા સંભળાવાઈ છે. બીજી તરફ આ કેસમાં ભીખાશા ચાંદશા અને અમજદખાન મલેકને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા.