થાનમાં મંડળના રૂપિયા પરત લેવા બાબતે બે પક્ષો બાખડયાં
- બે વ્યક્તિઓને ઈજા પહોંચી
- બંને પક્ષની સામસામે ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : થાન શહેરમાં ચાલતા બચત મંડળમાં ભરેલા રૂપિયા પરત લેવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતાં બંને પક્ષે એક-એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ અંગે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે થાન પોલીસે કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કરશનભાઇ સામંતભાઇ લોહ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી કાર લઇ પસાર થતા હતા. તે દરમિયાન મંડળના રૂપિયા લેવા મામલે જયપાલભાઇ રતાભાઇ સાંબડ, રતાભાઇ બિજલભાઇ સાંબડ અને સાતીબેન રતાભાઇ સાંબડે ઝઘડો કર્યો હતો અને અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે માર મારતા કરશનભાઇને હાથના ભાગે ઇજા પહોંચી હતી. આ મામલે કરશનભાઇએ ત્રણ વ્યક્તિ વિરૂધ્ધ થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે જયપાલભાઇ રતાભાઇ સાંબડે થાન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, જય જલારામ મંડળમાં તેમણે છેલ્લા ૪૦ મહિનામાં રૂા.૨,૮૦,૦૦૦ ભર્યા હતા. જે મંડળના રૂપિયા પરત માંગવા બાબતનું મનદુઃખ રાખી કરશનભાઇ સામતભાઇ લોહ અને અમરીબેન કરશનભાઇ લોહ તેમની દુધની ડેરીએ ધસી આવ્યા હતા અને અપશબ્દો બોલીને કરશનભાઇએ લાકડીનો ઘા મારતા ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.