સુરેન્દ્રનગરમાં સ્કૂલની વર્ધીવાળા વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા
- આરટીઓ તથા કલેક્ટર કચેરીએ રજૂઆત
- સ્કૂલ વર્ધી માટે મંજૂરીની પ્રક્રિયા શરૂ કરવા માંગ : ઉકેલ નહીં આવે તો હડતાળ ચાલુ રાખવાની ચિમકી
સુરેન્દ્રનગર : નવા શૈક્ષણિક સત્રનું પ્રારંભ થતાં પ્રથમ દિવસે આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલની વર્ધી કરતા વાહનોનું ચેકિંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્કૂલ રિક્ષા, સ્કૂલબસોને ડિટેઈન કરવામાં આવી છે. જે મામલે સ્કૂલની વર્ધી કરતા વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો અને હડતાળ પર ઉતરી જિલ્લા કલેકટર કચેરી અને આરટીઓ કચેરી ખાતે ઉગ્ર રજૂઆતો કરી હતી.
નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે આરટીઓ દ્વારા સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત અન્ય તાલુકાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં નિયમોનું ઉલંધ્ધન કરી ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડનાર અને ફાયર સેફટીનું ઉલ્લંઘન કરનાર સ્કૂલ વાહનના ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં સુરેન્દ્રનગર અને લીંબડીમાં નિયમોનું પાલન ન કરનાર સ્કૂલના રિક્ષાચાલકો, વાનચાલકો અને સ્કૂલબસ સહિત ૧૩ જેટલા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત બે સ્કૂલ બસ ડિટેઈન પણ કરવામાં આવી હતી. તંત્રના આ ચેકિંગને પગલે સ્કૂલની વર્ધી કરતા વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.
મોટીસંખ્યામાં વાહનચાલકો જીનતાન રોડ ઉપર આવેલા જીન કમ્પાઉન્ડ ખાતે એકત્ર થયા હતા અને તંત્ર સામે રજૂઆત કરવાની રણનીતી અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી.
જેમાં આરટીઓ વિભાગના ચેકિંગ દ્વારા સ્કૂલની વર્ધી કરતા વાહનચાલકોને પડતી હાલાકી તેમજ માનસિક ત્રાસ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા નિયમોના પાલન માટે થોડો સમય આપવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ નિયમોનું પાલન કરવા માટે જરૂરી મંજૂરી સ્થાનિક આરટીઓ કચેરીએથી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.
આરટીઓ વિભાગ દ્વારા મોટીરકમનો દંડ ફટકારાતો હોવાના આક્ષેપ સાથે તંત્ર દ્વારા સામાન્ય રકમનો દંડ ફટકારી વાહનચાલકોને થોડો સમય આપવામાં આવે તેવી માંગ કરી છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો હડતાળ યથાવત શરૂ રાખવાની ચિમકી ઉચ્ચારી છે.
આરટીઓ દ્વારા ચેકીંગના વિરોધમાં સ્કૂલની વર્ધી કરતા રિક્ષા, વાન, બસ સહિતના ૧૦૦ જેટલા વાહનચાલકો હડતાળ પર ઉતરી જતા નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે જ અનેક વાલીઓને પોતાના બાળકોને સ્કૂલે લેવા અને મુકવા જવું પડતા મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે. આથી તાત્કાલીક આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યાં છે.
આરટીઓના નિયમ મુજબ, સ્કૂલની વર્ધી કરતા રિક્ષા, વાન સહિતના ચાલકોને ફરજિયાત અલગથી મંજુરી લેવી પડે છે પરંતુ મોટાભાગના સ્કૂલના વાહનચાલકો પાસે આવી કોઈ મંજુરી નહીં હોવાનું જાણવા મળ્યું છે.