સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો
- આગ ઝરતી ગરમીથી ઝાલાવાડવાસીઓ ત્રસ્ત, બપોરે કર્ફ્યુ જેવો માહોલ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી અંદાજે ૪૦ ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે અને બપોરના સમયે બજારો સૂમસામ થઈ જાય છે.
હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે રાજ્યના તમામ શહેરોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અંદાજે ૪૦ ડિગ્રી કરતા પણ વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૧ ડિગ્રી જેટલુ તાપમાન નોંધાતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અસહય ગરમીના કારણે શહેરની બજારો બપોર બાદ સુમસામ બની જાય છે.
ગરમીથી બચવા નાના બાળકો, યુવાનો સહિતનાઓ શેરડીનો રસ, લીંબુ સરબત જેવા ઠંડા પીણાં પીતાં નજરે પડે છે. જયારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વધુ તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. લોકો ગરમીથી બચવા અવનવા નુસખાઓ અપનાવી રહ્યા છે.
જયારે સ્થાનિક તંત્ર દ્વારા ગરમીથી બચવા બપોરના સમયે ઘરની બહાર નહીં નીકળવા, કોટન વો પહેરવા, લીંબુ સરબત, ઠંડા પીણાં પીવા સહિતની સલાહ આપવામાં આવી છે.