સુરેન્દ્રનગર શહેરમાં ઘરે ઘરે પાણીના મીટર મૂકવાની કામગીરી શરૂ કરાઇ
- પ્રથમ તબક્કામાં હાઈરાઇઝ બિલ્ડિંગોમાં પાણીના મીટર લગાવાશે : પાણીનો બગાડ પણ અટકી શકશે
સુરેન્દ્રનગર : શહેરીજનો દ્વારા પાણીનો વેડફાટ ઓછો થાય તે માટે સુરેન્દ્રનગર નગરકપાલીકા દ્વારા ઘેર-ઘેર પાણીના મીટર મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કે હાઈરાઈઝ બિલ્ડીંગોમાં પાણીના મીટર મુકવામાં આવી રહ્યા છે.
સુરેન્દ્રનગર-વઢવાણ-દુધરેજ નગરપાલિકા દ્વારા ૨૦૧૮થી હાથ ધરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઘેર-ઘેર પાણીના મીટર મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કે ૧૫૦૦ મીટરો મુકવામાં આવશે તેમ જાણવા મળે છે. હાલ ચાર-પાંચ માળ કે તેથી ઉંચી બિલ્ડીંગોમાં પાણીના મીટરો ફીટ કરવાની કામગીરી શરૂ થઇ છે.
નગરપાલીકાના સુત્રોના જણાવ્યા મુજબ હાલ માત્ર પાણીના મીટરો ફીટ કરવામાં આવી રહ્યા છે. મીટરથી પાણી વિતરણ કરવાના નિયમો નગરપાલિકાની આગામી જનરલ બોર્ડની બેઠકમાં નક્કી કરવામાં આવશે. આગામી બેથી ત્રણ મહિના બાદ (ઉનાળામાં) મીટરથી પાણી વિતરણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. મીટરથી પાણી વિતરણ શરૂ થયા બાદ શહેરીજનોને નળ વાટે. અપાતા પાણીનાં વપરાશ બદલ લીટર દીઠ ચાર્જ ચુકવવો પડશે. તેથી શહેરીજનોએ પાણી વપરાશમાં બેદરકારી દાખવવાનું ભારે પડી શકે છે.
શહેરીજનોનું કહેવું છેકે, પાણીના મીટર આવતા શહેરીજનો તગડા બિલની બીકે પાણીનો વેડફાટ બંધ કરશે પણ શહેરમાં ઠેરઠેર તુટેલી લાઈનો દ્વારા હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે તે નગરપાલીકા કેવી રીતે બંધ કરાવશે. નગરપાલીકા દ્વારા બેથી ત્રણ મહિનામાં નિયમો બનાવીને લીટર દીઠ ચાર્જ નક્કી કરી મીટરની પાણી વિતરણ શરૂ કરવામાં આવશે.