સુરેન્દ્રનગર શહેરમાં આખલાએ ચાર લોકોને અડફેટે લીધા
- ટાવર ચોક પાસે યુદ્ધે ચઢેલા ઢોરોનો તરખાટ
- શહેરમાં અડિંગો જમાવનારા અને રખડતા ઢોરોની વધતી સંખ્યા સામે તંત્ર લાચાર
ઝાલાવાડ પંથકના મુખ્ય મથક એવા સુરેન્દ્રનગર શહેરનાં મુખ્ય માર્ગો પર રસ્તો રોકીને બેસી રહેતા અને રખડતા ભટકતા ઢોરનો ત્રાસ ખૂબજ વધી ગયો છે. ખાસ કરીને મોટી શાકમાર્કેટ, ટાવરથી મિલન સિનેમા સુધીના મુખ્ય રોડ ઉપર ઠેરઠેર રખડતા - ભટકતા ઢોર ત્રાસ દાયક બની રહ્યાં છે. રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લઈ ઈજા પહોચાડવાના પણ બનાવો બને છે. શહેરનાં અજરામર ટાવર ચોક પાસે રાત્રીના સમયે પસાર થતા ચાર વ્યકિતને યુધ્ધે ચડેલા બે આખલાએ અડફેટે લીધા હતા. જેમાં અશરફભાઈ વોરા અને એક વૃધ્ધને ગંભીર ઈજાઓ થતા શહેરની મેડીકલ કોલેજ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવેલ છે. નગરપાલિકા અને પોલીસતંત્ર દ્વારા શહેરનાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે અને ઢોર રખડતા મુકતા માલીકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોમાંથી માંગ ઉઠવા પામેલ છે.
છેલ્લાં ઘણાં સમયથી શહેરમાં જાહેર માર્ગ ઉપર અડિંગો જમાવી બેસનારા અને રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. આ અંગે નાગરિકો દ્વારા અવારનવાર તંત્રને રજુઆત કરવામાં આવતી હોવા છતાં કોઇ અસરકારક પગલાં લેવામાં આવતા નથી તેવી ચર્ચાએ પણ શહેરમાં જોર પકડયું છે.