રતનપરમાં નજીવી બાબતે યુવક પર ધારિયાથી હુમલો
- હુમલો કરી રિક્ષાને નુકશાન પહોંચાડનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : રતનપરમાં બે ભાઈઓ મજાક કરી રહ્યાં હતા. તે દરમિયાન મજાકમાં વચ્ચે પડેલા શખ્સને ના પાડતા ઉશ્કેરાયેલા ૩ શખ્સોએ યુવાનને ધારીયાના ઘા ઝીંકી દઈ રિક્ષાના કાચ ફોડી નાંખ્યા હતા. જોરાવરનગર પોલીસે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં રહેતા રમઝાભાઇ હબીબભાઇ માણેક રતનપર સુધારા પ્લોટમાં રહેતા તેમના ફઈ અમીતાબેનના ઘરે હતા. તે તેમના ફૈના દિકરા આરીફ સાથે મજાક કરતા હતા. ત્યારે સુધારા પ્લોટમાં રહેતા અબ્બાસ ઇસ્માઇલભાઇ માલાણી તેમની મજાકમાં વચ્ચે પડતાં તેને મજાકમાંવચ્ચે પડવાની ના પાડતા અબ્બાસ માલાણી ઝઘડો કરવા લાગ્યો હતો.
દરમિયાન ઇસ્માઇલભાઇ અને લતીફ ઇસ્માઇલભાઇ માલાણી પણ ધસી આવ્યા હતા અને અબ્બાસ નજીકમાંથી ધારીયુ ં લઇ આવી રમઝાનભાઇને માથાના ભાગે ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો. તેમજ ઇંટના છુટ્ટા ઘા અને લાકડાના ધોકા વડે માર માર્યા હતા. તેમજ ઘર પાસે પાર્ક કરેલી રિક્ષામાં પણ તોડફોડ કરી નુકસાન કર્યું હતું.
બાદમાં ત્રણેય શખ્સો ત્યાંથી નાસી છુટયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત રમઝાનભાઇને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ અંગે જોરાવરનગર પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.