Get The App

પાટડી તાલુકામાં મોંગોલીયાનું ગ્રેલેજ ગીજ નામનું પક્ષી કેમેરામાં કેદ થયું

- શંકાસ્પદ પક્ષી અંગે ઉચ્ચકક્ષાએ જાણ કરાઇ

- વઢવાણના પક્ષીવિદ દ્વારા જીપીએસ ટ્રેકર લગાવેલ વિદેશી પક્ષીને કેમેરામાં કંડારવામાં આવ્યું

Updated: Feb 15th, 2021


Google NewsGoogle News
પાટડી તાલુકામાં મોંગોલીયાનું ગ્રેલેજ ગીજ નામનું પક્ષી કેમેરામાં કેદ થયું 1 - image


સુરેન્દ્રનગર, પાટડી, તા. 14 ફેબ્રુઆરી, 2021, રવિવાર

સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનો છેલ્લા ઘણા વર્ષોથી જમાવડો જોવા મળે છે ત્યારે પાટડી તાલુકામાંથી શંકાસ્પદ હાલતમાં એક વિદેશી પક્ષી જોવા મળ્યું હતું જેની તસ્વીર વઢવાણના યુવા પક્ષીવિદે કેદ કરી હતી અને આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી ધ્યાન દોર્યું હતું.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના રણ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ અભ્યારણમાં છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળે છે જેને જોવા માટે દેશ-વિદેશથી પક્ષીપ્રેમીઓ ઉમટી પડે છે. ત્યારે તાજેતરમાં પાટડી તાલુકાના વિસ્તારમાં વઢવાણના યુવા પક્ષીવિદ દેવરથસિંહ મોરીએ એક વિદેશી પક્ષીની તસ્વીર કેમેરામાં કેદ કરી હતી જેની તપાસ કરતાં આ પક્ષી મોંગોલીયાનું ગ્રેલેગ ગીજ પક્ષી હોવાનું જણાઈ આવ્યું હતું અને તેની ડોક પર જીપીએસ ટ્રેકીંગ ડીવાઈસ લગાવ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું. આથી પક્ષીવિદે વધુ માહિતી મેળવવા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનો સંપર્ક કર્યો હતો અને પક્ષી વિશે જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં પક્ષીની ડોક પર લાગવેલ યંત્ર મોંગોલીયાના સ્થાનીક વૈજ્ઞાાનિકે પહેરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું અને આ યંત્રને નેક કોલર સોલાર પાવર જીપીએસ ટ્રેકર કહેવાય છે જે સોલારથી ચાર્જ થાય છે અને આ યંત્ર દ્વારા પક્ષીના હલનચલન અને માઈગ્રેસનની જાણકારી, હેબીટાટ સીલેકશન વગેરે મળી શકે છે. આમ પાટડી તાલુકામાં શંકાસ્પદ હાલતમાં વિદેશી પક્ષી મળી આવતાં અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ હતી.


Google NewsGoogle News