મઘરીખડામાં વાડીના રસ્તા બાબતે કેસનું મનદુઃખ રાખી માર માર્યો
- બે વ્યક્તિઓને ઈજા પહોંચી
- ધમકી આપી માર મારનાર ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના મધરીખડા ગામની સીમમાં આવેલી જમીનના શેઢે આવેલા રસ્તા બાબતે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ચાર શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
મઘરીખડા ગામે રહેતા ફરિયાદી ભરતભાઈ સવજીભાઈ જાંબુકીયા અને તેમના ભાભી જશુબેન સવજીભાઈ તેમજ તેમની દિકરી સુનીતાબેન સહિતનાઓ ટ્રેકટર લઈને મઘરીખડા ગામમાંથી તેમની વાડીએ જઈ રહ્યાં હતાં.
તે દરમિયાન રસ્તામાં ગામમાં જ રહેતા કૌટુંમ્બીક કાકાના દિકરા જયંતીભાઈ હિરાભાઈ જાંબુકીયાએ બાઈક પર આવી વચ્ચે બાઈક ઉભું રાખ્યું હતું અને ફરિયાદીને અપશબ્દો બોલ્યા હતા અને ત્યારબાદ અન્ય શખ્સોએ કારમાં આવી બોલાચાલી કરી હતી.
તેમજ ફરિયાદીને ટ્રેકટરમાંથી નીચે ઉતારી ઢીકા પાટુનો માર માર્યો હતો. તેમજ જશુબેનને લાકડીનો ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનારે ચાર શખ્સો જયંતીભાઈ હિરાભાઈ જાંબુકીયા, વલ્લભભાઈ હિરાભાઈ જાંબુકીયા, વિપુલભાઈ હિરાભાઈ જાંબુકીયા અને જોરૂભાઈ હિરાભાઈ જાંબુકીયા (તમામ રહે.મઘરીખડા) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે પ્રાથમિક તપાસમાં ફરિયાદી અને તેમના દાદાના દિકરા વિપુલભાઈની જમીન એક જ શેઢે આવેલી હોય રસ્તા બાબતે ચોટીલા મામલતદાર કચેરી ખાતે કેસ ચાલતો હોવાનું મનદુઃખ રાખી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.