લીંબડીમાં કૌટુંબિક મામાના પરિવારના સભ્યોએ ભાણેજની કાતરના ઘા ઝીંકી હત્યા કરી
મેણા-ટોણાં અને મશ્કરીમાંથી થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો
ઝઘડામાં વચ્ચે પડેલા પિતરાઈને પણ ઈજા ઃ પડોશમાં રહેતા કૌટુંબિક મામાના પરિવારના ૪ સભ્યોની ધરપકડ
લીંબડી: લીંબડી ખાખ ચોકમાં કૌટુંબિક મામાના પરિવારના સભ્યોએ ભેગા મળીને ભાણેજને કાતરના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસે ભાણેજની હત્યા કરનાર કૌટુંબિક મામાના પરિવારના તમામ સભ્યોની અટકાયત કરી હતી.
લીંબડી ખાખ ચોકમાં રહેતાં વિકાસ વિનોદભાઈ ચાવડા (ઉં.વ.૧૮)ની પડોશમાં તેમના કૌટુંબિક મામાનો પરિવાર ઘણા સમયથી રહે છે. દરમિયાન વિકાસ તથા તેના માતાને પડોશમાં રહેતા કૌટુંબિક મામાના પરિવારજનો અવાર- નવાર મેણા ટોણા મારીને મશ્કરી કરતા હતા. ત્યારે બંને પરિવારમાં ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા એકબીજા ઉપર લાકડી, છરી તથા કાતર વડે હુમલો કર્યો હતો. ઝઘડામાં વિકાસ ચાવડાને કૌટુંબિક મામાના પરિવારના સભ્યોએ ભેગા મળીને ગળાના ભાગે કાતરના ઘા ઝીંકયા હતાં. બીજી તરફ બે પરિવારોને છુટા પાડવા માટે વચ્ચે પડેલા કૌટુંબિક મામાના પુત્ર અંકિત મકવાણાને પણ ઈજા પહોંચી હતી. ત્યારે બંને ઈજાગ્રસ્તને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ, બંનેને ગંભીર ઈજા હોવાને કારણે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયારે વિકાસ ચાવડાની તબિયત વધુ ગંભીર થતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મૃતક વિકાસની ડેડબોડીને પીએમ અર્થે મોકલી આપી હતી.
આ બનાવ સંદર્ભે લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કૌટુંબિક ભાણેજની હત્યા સંદર્ભે જીવાભાઈ મકવાણા, પ્રવીણભાઈ જીવાભાઈ મકવાણા, ચંદ્રિકાબેન પ્રવિણભાઈ મકવાણા અને યોગેશભાઈ પ્રવિણભાઈ મકવાણા તમામ ચાર સભ્યોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.