લખતરમાં પાયાની સુવિધાઓને લઇને રહિશો રસ્તાઓ પર ઉતરી આવ્યા
- વિકાસ નહીં તો વોટ નહીં ના બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા
- લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો લગાવી કર્યો વિરોધ
સુરેન્દ્રનગર : રાજ્યમાં વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ આગામી સમયમાં લોકસભાની ચુંટણી આવી રહી છે જેને ધ્યાને લઈ અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લખતર શહેરના અનેક વિસ્તારોમાં વિકાસના કામો ન થતાં તેમજ લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચુંટણીનો બહિષ્કાર કરવાના બેનરો લાગતા રાજકીય માહોલ ગરમાયો છે.
સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેમાં લખતર શહેરના અનેક વિસ્તારમાં વિકાસના કામો નહીં કરાતા લખતરની શ્રેયાસ સોસાયટી, ભૈરવપરા, મફતિયાપરા વિસ્તારના રહીશો દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે સાથોસાથ સોસાયટી અને પરા વિસ્તારના સ્થાનિક રહિશોએ ભેગા થઇને વિકાસ નહીં તો વોટ નહીંના લખાણ સાથે સોસાયટી અને પરાની બહાર ચૂંટણી બહિષ્કાર,અને નેતાઓએ મત લેવા આવવું નહિના લખાણ સાથેના બેનર લગાવ્યા હતા.
આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉભરાતી ગટર, પીવાનું દૂષિત પાણી, સફાઇનો અભાવ, પેવરબ્લોક રોડ રસ્તા બાબતે સત્તાધિશોને અવાર નવાર લેખિત-મૌખિક અને રૂબરૂ રજૂઆતો કરવા છતાં આ વિસ્તારમાં સત્તાધીશો દ્વારા ઓરમાયુ વર્તન અને વિકાસથી વંચિત રાખવા બદલ રહીશો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર તેમજ કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરોએ ચૂંટણી પ્રચારમાં આવવું નહીં તેવી ચીમકી આપતા વહીવટી તંત્ર તેમજ રાજકીય માહોલ ગરમાયો છે.