લખતર, લીંબડી અને દસાડામાં ભાજપની પ્રવેશ બંધીના બેનરો લાગ્યા

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
લખતર, લીંબડી અને દસાડામાં ભાજપની પ્રવેશ બંધીના બેનરો લાગ્યા 1 - image


- સુરેન્દ્રનગર પંથકમાં રૂપાલા સામે વિરોધ વધ્યો

- થાનમાં રેલી યોજ્યા બાદ પૂતળાદહન કરે તે પહેલા પાંચથી વધુની અટકાયત : મતદાન બહિષ્કારની ચિમકી

સુરેન્દ્રનગર : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે. દરમિયાન થાન ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા બાઈકરેલી યોજવામાં આવી હતી. બાદમાં રૂપાલાના પુતળાનું દહન કરે તે પહેલા જ પોલીસ દ્વારા પાંચથી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરાઈ હતી.

ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય ત્યાં સુધી લખતર તાલુકાના મોઢવાણા, તલસાણા, પેઢડા, ઢાકી, કેસરિયા, ઓળક, સદાદ, તનમનીયા, નાના અંકેવાડીયા, કારેલા, કડુ, ડેરવાળા, લીંબડી તાલુકાના કમાલપુર, તાવી, ખંભલાવ, સમલા, ભોયકા સહિતના ગામમાં ચૂંટણી પ્રચાર અર્થે ભાજપના આગેવાનો અને કાર્યકરોના પ્રવેશ બંધીના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે.

 તેમજ દસાડા સહિતના ગામોમાં બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત થાન મામલતદાર કચેરીએ તથા પાટડી સેવા સદન ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવીને રૂપાલા સામે ગુનો નોંધવા માગ કરી છે. તેમજ જો માંગ નહીં સ્વીકારાય તો મતદાન બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે. 


Google NewsGoogle News