લખતરમાં યુવકને બેટ અને ઉંધી છરીથી મારતા ગંભીર ઈજા
- કાદેસર તળાવની પાળ પર દિન દહાડે હુમલો
- પૈસાની ઉઘરાણીનું મનદુઃખ રાખીને ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ
સુરેન્દ્રનગર : લખતરના કાદેસર તળાવની પાળ પાસે એક યુવકને બાકીના રૂપિયા આપવા બાબતે દિનદહાડે ચાર શખ્સોએ બેટ, ઉંધી છરી વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર યુવકે લખતર પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
હાલ મુંબઈ તેમજ મુળ લખતરના ભડવાણા ગામે રહેતા ફરિયાદી અનિલભાઈ ગોપાલભાઈ બુટિયાના પરિવારમાં ધાર્મિક પ્રસંગ હોય મુંબઈથી પિતા સાથે લખતરના કાદેસર તળાવની પાળે પ્રસંગમાં આવ્યા હતા અને ત્યાં રહેતા અન્ય પરિવારજનોના ઘરે રોકાયા હતા.
જે દરમિયાન લખતરના તલવણી ગામે રહેતા વિકિભાઈ સાગરભાઈ દેવીપુજક, તેનો ભાઈ રાહુલભાઈ સાગરભાઈ દેવીપુજક, સુરેન્દ્રનગરમાં રહેતા અમીતભાઈ બાબુભાઈ દેવીપુજક અને જયપાલભાઈ દેવીપુજક બે બાઈક પર આવ્યા હતા અને કાદેસર તળાવની પાળ પર આવીને હવાલામાં લીધેલી રોકડ રકમની ફરિયાદી દ્વારા ઉઘરાણી કરતા તેનું મનદુઃખ રાખી ઝઘડો કર્યો હતો.
તેમજ ફરિયાદીને બેટ તેમજ છરીના ઉંધા હાથા વડે આંખ, નાક, ડોક સહિતના ભાગે ઘા ઝીંક્યા હતા. તેમજ ઢીકાપાટુનો મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે ઈજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં લખતર સરકારી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે પ્રાથમિક તપાસમાં ફરિયાદીએ પોતાના સાળાના દિકરાને મકાન બનાવવા માટે રૂપિયા આપ્યા હતા અને તે પરત ન આપતા આરોપી વિકિભાઈ અને અન્ય એક શખ્સને જણાવતા બન્નેએ સાળાના દિકરા પાસેથી રકમ લઈ લીધી હતી પરંતુ ફરિયાદીને પરત ન આપતા અવાર-નવાર ઉધરાણી કરતા હતા.
જેનું મનદુઃખ રાખી દિનદહાડે હુમલો કર્યો હતો. જે અંગે ભોગ બનનારે ચાર શખ્સો વિકિભાઈ સાગરભાઈ દેવીપુજક, રાહુલભાઈ સાગરભાઈ દેવીપુજક, અમીતભાઈ બાબુભાઈ દેવીપુજક અને જયપાલ દેવીપુજક સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.