ઝાલાવાડમાં વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો
- જોરાવરનગર ખાતે વિશાળ એલઈડી સ્ક્રીનમાં ક્રિકેટપ્રેમી જનતાએ ફાઈનલ મેચ નિહાળ્યો
- અનેક જગ્યાએ ભારતના વિજય માટે પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા
સુરેન્દ્રનગર : સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં ૫ણ વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈ શહેરીજનો સહિત ક્રિકેટપ્રેમી જનતામાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર અને જોરાવરનગર સહિતના શહેરી વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ ક્રિકેટપ્રેમી જનતા માટે ફાઈનલ મેચ નિહાળવા માટે એલઈડી સ્ક્રીન સહિતની વ્યવસ્થાઓ રાખવામાં આવી હતી અને લોકોએ પણ ભારતની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે વર્લ્ડકપની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ સવારથી જ સમગ્ર દેશ સહિત ઝાલાવાડવાસીઓ અને સુરેન્દ્રનગરની ક્રિકેટપ્રેમી જનતામાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ફાઈનલ મેચમાં ઈન્ડીયા (ભારત) અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રોમાન્ચક મુકાબલો જામ્યો હતો ત્યારે યુવાનો સહિત ક્રિકેટપ્રેમી જનતા ફાઈનલ મેચને સારી રીતે તેમજ સુવિધાઓ સાથે નિહાળી શકે તે માટે સામાજીક સંસ્થાઓ સહિતનાઓ દ્વારા અલગ-અલગ જગ્યાએ એલઈડી સ્ક્રિન પર જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં જોરાવરનગર ખાતે આવેલ શિવલાલ આણંદજીભાઇ માકાસણા ચેરીટેબલ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ સહિતની ટીમ દ્વારા અંદાજે ૧૨ ટ ૮ની સાઈઝની વિશાળ એલઇડી સ્ક્રીન પર મેચના લાઇવ પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેને નિહાળવા માટે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતની શહેરી વિસ્તારની ક્રિકેટપ્રેમી જનતા તેમજ યુવાનો મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા અને ફાઈનલ મેચમાં ભારતીય બેટસમેનો દ્વારા ચોગ્ગા છક્કાની રમઝટ પર લોકો ઉત્સાહ અને ઉન્માદ સાથે ટીમને ચીયરઅપ કરતા જોવા મળ્યા હતાં જ્યારે એલઈડી સ્ક્રીન સાથે સાથે ડી.જે.ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મેચનો ઉત્સાહ એટલો જોવા મળ્યો કે લોકોને ખુરશીમાં જગ્યા ન મળતા લોકો રસ્તા પર જ બાઇક પાર્ક કરી કે રસ્તા પર ઉભા ઉભા મેચ નિહાળતા જોવા મળ્યાં હતાં. વર્લ્ડકપ ફાઇનલ મેચને લઇને શહેરનાં રસ્તાઓ પણ સુમસામ જોવા મળતા હતાં તેમજ ફાઇનલમેચને લઇને લોકોએ ભારત જીતે તે માટે પ્રાર્થના પણ કરી હતી અને ભારતની ટીમ વિશ્વકપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત શહેરના રતનપર બાયપાસ રોડ, ૮૦ ફુટ રોડ સહિતના વિસ્તારોમાં પણ ક્રિકેટપ્રેમી જનતાએ એલઈડી સ્ક્રીન પર ફાઈનલ મેચ નિહાળ્યો હતો. આ તકે લોકો પણ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતનો વિજય થાય તે માટે પ્રાર્થના સહીત પુજા અર્ચના કરતા જણાઈ આવ્યા હતાં.