Get The App

ઝાલાવાડમાં કપાસના પ્રતિમણ રૂ. 1200 થઇ જતાં ખેડૂતોની કફોડી હાલત

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
ઝાલાવાડમાં કપાસના પ્રતિમણ રૂ. 1200 થઇ જતાં ખેડૂતોની કફોડી હાલત 1 - image


- અગાઉ રૂ. 1800 થી 1900 રૂપિયા મણનો ભાવ હતો 

- ભાવ વધવાની આશા સાથે 40 ટકા જેટલા કપાસનો સંગ્રહ કરનારા મુશ્કેલીમાં મૂકાયા

સુરેન્દ્રનગર : કપાસના ઉત્પાદન અને નિકાસમાં મોખરાનું સ્થાન ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી બાદ કપાસના ભાવ ઘટી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. શરૂઆતના ત્રણથી ચાર મહિના દરમિયાન ખેડૂતોને રૂ.૧૮૦૦થી ૧૯૦૦ સુધીના ભાવો મળતા ૬૦ ટકા જેટલા ખેડૂતોએ કપાસનું વેચાણ કરી દીધું હતું પરંતુ વધુ સારા ભાવ મળવાની આશાએ કેટલાક ખેડૂતોએ ઘરમાં તથા ગોડાઉનમાં કપાસનો સંગ્રહ કરી રાખ્યો છે. તેવામાં ભાવ ઘટતા હવે પોષણક્ષમ ભાવ આપવા માટે માંગ ઉઠી છે. 

સુરેન્દ્રનગર જિલ્લો કપાસના ઉત્પાદન માટે જાણીતો છે અને કપાસના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમજ દેશ-વિદેશ સુધી સુરેન્દ્રનગર જિલ્લામાંથી કપાસનો નિકાસ થાય છે. જેના દ્વારા ખેડૂતો સહિત ઝાલાવાડનો જીનિંગ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. તેમજ દેશના અર્થતંત્રમાં કપાસની નીકાસ અને ઉત્પાદન મહત્વ ધરાવે છે.

 ત્યારે હાલમાં ખેડૂતોને કપાસના ખૂબ ઓછા ભાવ મળતા હાલત કફોડી બની છે. શરૂઆતના ત્રણ ચાર મહિનામાં ખેડૂતોને કપાસના ભાવ પ્રતિ મણ અંદાજે રૂપિયા ૧,૮૦૦ થી ૧,૯૦૦ સુધી મળતા ખેડૂતોએ કપાસ વેચવાનુ શરૂ કરી દીધું હતુ અને તેનાથી પણ વધુ ભાવ મળવાની આશા સાથે કેટલાક ખેડૂતોએ કપાસનો ઘરમાં સંગ્રહ કરી રાખ્યો છે. 

દિવાળીના તહેવાર બાદ ખેડૂતોને કપાસના ભાવ વધવાની આશાઓ હતી પરંતુ કપાસના ભાવો વધવાને બદલે ક્રમશ ઘટતા ગયા અને હાલ પ્રતિ મણ કપાસના ભાવ માત્ર રૂપિયા ૧,૧૦૦ થી ૧,૨૦૦ જેટલા થઈ જતા જિલ્લાના મોટાભાગના ૪૦ થી ૫૦ ટકા ખેડૂતો કપાસનુ વેચાણ કરી શક્યા નથી.

જ્યારે અત્યાર સુધીમાં એક અંદાજ મુજબ જિલ્લામાં માત્ર ૬૦ ટકા જેટલા જ કપાસનુ વેચાણ થયું છે. જ્યારે ૪૦ ટકાથી વધુ કપાસનો જથ્થો ખેડૂતોના ઘર કે ગોડાઉનમાં ભાવ વધવાની આશા સાથે છેલ્લા સાત આઠ મહિનાથી સંગ્રહ કરેલી હાલતમાં પડયો છે. 

 ત્યારે સરકાર દ્વારા કપાસના પ્રતિ મણ અંદાજે રૂ.૧,૮૦૦ થી ૧,૯૦૦ આસપાસ પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. 


Google NewsGoogle News