Get The App

મુળીના દુધઈ ગામે સ્ટ્રીટલાઈટ સહિતની પાયાની સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
મુળીના દુધઈ ગામે સ્ટ્રીટલાઈટ સહિતની પાયાની સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ 1 - image


- સરપંચ, ઉપ-સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની હિલચાલ

- પંચાયત સભ્યોએ છેલ્લા બે વર્ષથી માત્ર એક જ બ્લોકનું કામ કર્યું હોવાનો આક્ષેપ 

સુરેન્દ્રનગર : મુળી તાલુકાનાં દુધઈ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા વિકાસ કામોના નિષ્ફળ જતા સમગ્ર ગામજનોએ તેઓની સામે નારાજગી વ્યકત કરી હતી. જેમાં પંચાયતના સભ્યોએ છેલ્લા બે વર્ષથી માત્ર એક જ બ્લોકનુ કામ થયું હોવાનું આક્ષેપ કર્યો હતો.

સરકાર તરફથી મળતી લાખો રૂપિયાની ગ્રાન્ટ વણવપરાયેલ પડી છે અને તેનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. ત્યારે દુધઈના લોકોની પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવાનો આરોપ સરપંચ ઉપસરપંચ સહિત સમગ્ર ગ્રામ પંચાયત ઉપર લગાવવામાં આવ્યો છે જેમાં છેલ્લા બે વર્ષથી ગામમાં સફાઈ એકપણ વખત કરવામાં આવી નથી અને બજારમાં ઉકરડા ખડકાઈ ચુકયા છે . ત્યારે પંચાયત દ્વારા આ અંગે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ ઉકરડા  દૂર કરવામાં આવેલા નથી. જયારે સ્ટ્રીટલાઈટમા પણ રીપેરીંગના નામે હજારો રૂપિયાના બીલો બનાવી નાખ્યા હોવા છતાં સ્ટ્રીટ લાઈટ સદંતર બંધ જોવા મળી રહી છે અને ખોટા બીલો બનાવી ઉચાપત કરવામાં આવી છે. 

દુધઈમાં આ ગંદકીના કારણે ભયંકર રોગચાળો ફેલાવવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. જેમાં મુખ્ય જવાબદારી પંચાયતની જ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે અને ગટરો પણ સાફ સફાઈ ન થવાના કારણે ઉભરાઈ રસ્તાઓ ઉપર ચાલી રહી છે. હાલ નવરાત્રીના દિવસોમાં લાઈટો બંધ હોવાથી સમગ્ર ગામમાં અંધારપટ્ટ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ અંદાજે ૩૦૦ જેટલા બાળકો અભ્યાસ કરતાં પ્રાથમિક શાળા પાસે કચરાના ગંજ ખડકાઈ ચુકયા છે. છેલ્લા બે વર્ષથી આ અંગે મહિલા સરપંચ ડાહીબેન વીરાભાઈ ઝાલા અને ઉપ સરપંચ સોનાબેન રબારીને ગામજનોએ જંગી બહુમતીથી વિજય અપાવી સોંપેલ હોય પરંતુ તેઓ તેમની જવાબદારી પુર્ણ કરવામાં નિષ્ફળ રહેતા આગામી દિવસોમાં સભ્યો તેમના વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરે તે અંગે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અવિશ્વાસની દરખાસ્ત કરવા તમામ સભ્યોએ સહમતી પણ દર્શાવી હતી. આ અંગે આગામી દિવસોમાં નવાજુનીના એધાંણ પણ વરતાઈ રહ્યાં છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનો અને આગેવાનો દ્વારા અનેક વખત વિકાસના કામો અંગે મૌખીક તેમજ લેખીત રજુઆતો કરવામાં આવી હોવા છતાં જવાબદાર તંત્ર તેમજ ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તેમજ હાલ સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં વિકાસના કામોની કામગીરી બંધ રાખવામાં આવી છે. જે મામલે વોર્ડ નં.૧ના સદ્દસ્ય મધુબેન કણઝરીયા, વોર્ડ નં.૬ના સભ્ય જગદીશભાઈ ઝાલા તેમજ વોર્ડ નં.૫ના પ્રકાશબેન કરપડા અને વોર્ડ નં.૭ના બેનુબાબેન કરપડા, વોર્ડ નં.૮ના ધર્મેન્દ્રસિંહ જાદવ સહિતનાઓ દ્વારા આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને આગામી દિવસોમાં રજુઆત કરવામાં આવશે અને અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાની માંગ પણ કરવામાં આવશે તેમ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.



Google NewsGoogle News