વઢવાણના દોદરકોઠામાં બે શખ્સોએ દારૂ પીને હથિયાર સાથે હોબાળો મચાવ્યો
- બન્ને શખ્સોને ઝડપવા તપાસ હાથ ધરાઈ
- અપશબ્દો બોલવાની ના પાડતાં પતિને મારીને દંપતીના ઘરને નુક્સાન પહોંચાડયું
સુરેન્દ્રનગર : વઢવાણ દોદરકોઠા વિસ્તારમાં દારૂ પીને અપશબ્દો બોલતા બે શખ્સોને મહિલાએ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ છરી અને ધોકા વડે મહિલાના ઘર પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ બન્ને શખ્સો વિરૂધ્ધ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વઢવાણ દોદરકોઠા વિસ્તારમાં રહેતાં તેજલબેન વિજયભાઇ દેણપરાના ઘર પાસે પાણીપુરીની લારી પર બે શખ્સો હાથમાં ખુલ્લી છરી તેમજ લાકડાના ધોકો લઇ દારૂ પી અપશબ્દો બોલતા હતા. આથી તેણીએ બન્નેને અપશબ્દો બોલવાની ના પાડી હતી અને પાણીપુરીની લારી ઘર પાસેથી દુર લઇ જવાનું કહ્યું હતું.
જેથી ઉશ્કેરાયેલા વિશાલ પરસોત્તમભાઇ ચૌહાણ અને અજય ઉર્ફે કાળુ બાબુભાઇ દેણપરા જોરજોરથી અપશબ્દો બોલવા લાગ્યા હતા અને તેજલબેનના પતિ વિજયભાઇને છરી અને ધોકો લઇ મારવા દોડયા હતા. તેમજ વિજયભાઇને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. દારૂ પી દંગલ મચાવતા બન્ને શખ્સોના મારથી બચવા દંપતિ ઘરમાં ચાલ્યા ગયુ હતુ.
આથી ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ ઘરના દરવાજે છરી અને લાકડાના ધોકાના આડેધડ ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે વઢવાણ પોલીસે વિશાલ પરસોત્તમભાઇ ચૌહાણ અને અજય ઉર્ફે કાળુ બાબુભાઇ દેણપરા વિરૂધ્ધ ગુનો નોંધી બન્ને શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.