દુધઈમાં ખેડૂતે પોતાના જીરાના પાક પર રોટોવેટર ફેરવી રોષ ઠાલવ્યો

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
દુધઈમાં ખેડૂતે પોતાના જીરાના પાક પર રોટોવેટર ફેરવી રોષ ઠાલવ્યો 1 - image


- વારંવારની રજૂઆતો છતાં ઉકેલ ના આવતા

- મુળી અને થાન તાલુકામાં અચાનક સિંચાઈનું પાણી બંધ કરતા પાક નિષ્ફળ જતાં વિરોધ કર્યો

સુરેન્દ્રનગર : થાન તેમજ મુળી તાલુકાના અંદાજે ૨૦થી વધુ ગામોમાં ખેડૂતોને શરૂઆતમાં આપવામાં આવેલું સૌની યોજના હેઠળનું પાણી અચાનક બંધ કરી દેતા શિયાળુ પાકને નુકશાન જતાં રોષે ભરાયેલા મુળી તાલુકાના દુધઈ ગામના ખેડૂતે જાતે જ પોતાના જીરાના પાક પર રોટોવેટર(ટ્રેકટર) ફેરવી સિંચાઈ વિભાગ તેમજ સરકાર સામે રોષ દાખવ્યો હતો.

મુળી અને થાન તાલુકાના મોટા ભાગના ગામોને સરકારની સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને ખેડૂતો આ પાણી દ્વારા સીઝન મુજબ પાકોનું વાવેતર કરે છે. ત્યારે ચાલુ વર્ષે પણ સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે દોઢ મહિના પહેલા સૌની યોજનાના વાલ્વ ખોલી પાણી આપવામાં આવતા મુળીના દુધઈ, સડલા, ખાટડી, ગઢડા, ટીકર, સુજાનગઢ સહિતના ગામોના ખેડૂતોએ પોતાની જમીનમાં જીરૂ, એરંડા, વરીયાળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે. 

પરંતુ ખેડુતોએ વાવેતર કર્યા બાદ અચાનક સિંચાઈ વિભાગ દ્વારા પાણી બંધ કરી દેવામાં આવતાં શિયાળુ પાકને પાણી વગર મોટાપાયે નુકશાની થઈ રહી છે અને જીરૂ સહિતના પાક સુકાઈ રહ્યાં છે. જે મામલે થોડા દિવસો પહેલા બન્ને તાલુકાના અનેક ગામોના ખેડૂતોએ સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગની કચેરી ખાતે રજૂઆત કરી હતી. તેમજ મુળીના વડધ્રા ગામે આ મામલે બેઠક પણ યોજાઈ હતી.

 તેમ છતાં કોઈ જ ઉકેલ ન આવતાં દુધઈ ગામના ખેડૂત ભુપતભાઈ કરપડાએ પોતાની ૬૦ વીઘા જમીનમાં કરેલા જીરાના પાક પર રોટોવેટર મશીન ફેરવી સરકાર અને સિંચાઈ વિભાગ સામે રોષ દાખવ્યો હતો અને તાત્કાલીક અન્ય ખેડૂતોના શિયાળુ પાકને બચાવવા સિંચાઈ માટેનું બંધ કરેલું પાણી ફરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. 

આ તકે ખેડૂતે જણાવ્યું હતું કે, અગાઉ સૌની યોજના હેઠળ તળાવો ભરવામાં આવ્યાં હતાં. આથી દુધઈ સહિત અનેક ગામના ખેડૂતોએ જીરૂ સહિતના પાકનું વાવેતર કર્યું હતું અને હવે પીયત માટે માત્ર એક પાણીની જરૂર હતી. તેવા સમયે રાજકીય નેતાઓ અને અધિકારીઓની મનમાનીના કારણે પાણી બંધ કરી દેતા જીરૂનો પાક સુકાઈ ગયો છે. 

તેમજ જીરૂના બીયારણ પાછળ રૂા. ૧૮ હજાર પ્રતી મણ અને રાસાયણિક ખાતર, મજુરી, દવાઓ અને ટ્રેકટર તેમજ ડીઝલ સહિતનો ખર્ચ પણ પાકમાં નુકશાની જતાં ખેડૂતના માથે આવ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોને દેવામાં ડુબવાનો સમય આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, થાન તાલુકામાં શિયાળુ વાવેતર બાદ અચાનક પાણી બંધ કરી દેતા ખેડુતોની હાલત કફોડી બની છે.



Google NewsGoogle News