ચોટીલા શહેરમાં ગંદકીથી લોકો ત્રાહીમામ, રોગચાળાનો ભય

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
ચોટીલા શહેરમાં ગંદકીથી લોકો ત્રાહીમામ, રોગચાળાનો ભય 1 - image


- યાત્રાધામમાં ગંદકીનું સામ્રાજ્ય, સફાઇનો અભાવ

- પાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોએ પણ સફાઈ બાબતે કોઈ જ પગલા ન લેતાં રોષ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા શહેરી વિસ્તારમાં ઠેરઠેર ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે જેના કારણે પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે સ્થાનીક રહિશો સહિત સામાજીક સંસ્થાઓ અને આગેવાનોએ અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં ન આવતાં લોકોમાં ક્યાંકને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે.

આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચોટીલા શહેરનાં અનેક વિસ્તારો જેમ કે ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલય પાસે, ચામુંડા માતાજીના મંદિર તરફ જવાના રસ્તે તેમજ અનેક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં કચરો તેમજ ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યાં છે. તેમજ ગંદકીના ઢગલાઓમાં રખડતા પશુઓનો જમાવડો જામતો હોવાથી રસ્તા પરથી પસાર થતા રહિશો, વાહનચાલકો તેમજ હોસ્પીટલે જતાં દર્દીઓને પણ હાલાકી પડી રહી છે. તેમજ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની પણ દહેશત સેવાઈ રહી છે ત્યારે આ અંગે પાલીકા તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરી શહેરમાં નિયમીત સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસીત ચોટીલા નગરપાલિકામાં તાજેતરમાં જ અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા નવનિયુક્ત પ્રમુખ અને ઉપ-પ્રમુખે ચાર્જ સંભાળ્યો છે આથી લોકોને સ્વચ્છતા અંગેની આશાઓ બંધાઈ હતી પરંતુ નવા હોદ્દેદારોએ પણ કોઈ જ પગલા ન લેતાં લોકોમાં નારાજગી જોવા મળી છે. 


Google NewsGoogle News