અભેપરમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર ભૂમાફિયાઓનો પથ્થરમારો, એકને ઈજા
- પોલીસ પહોંચે તે પહેલાં ડમ્પરો લઈ ચાલકો ફરાર
- ખનીજ ટીમના સિક્યુરીટી ગાર્ડે સ્વ-બચાવમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા : 3 વાહનચાલકો તથા અન્ય 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર : થાનના અભેપર ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજચોરી અંગે ચેકિંગ કરવા ગયેલી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ પર ભૂમાફિયાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના વળતા જવાબમાં ખનીજ ટીમના સીક્યોરીટી ગાર્ડે હવામાં ફાયરિંગ કર્યું હતું. જે મામલે ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝરે થાન પોલીસ મથકે ત્રણ વાહનચાલકો અને ૭ થી ૮ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા થાન તાલુકામાં થઈ રહેલી ગેરકાયદેસર ખનીજચોરી રોકવા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં અભેપર ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાની બાતમીના આધારે ટીમે રેઈડ કરી હતી. જે દરમિયાન એક હીટાચી અને બે ડમ્પર વડે સ્થળ પર ખનીજચોરી થતી હોવાનું જણાઈ આવ્યું હતું.
આથી ખાણ ખનીજની ટીમે ખનીજચોરી બંધ કરાવી હતી. જે મામલે સામસામે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ડમ્પરચાલકોએ બહારથી અન્ય વ્યક્તિઓને બોલાવતા અંદાજે ૭ થી ૮ વ્યક્તિઓ ગણતરીની મિનીટોમાં આવી પહોંચ્યા હતા અને ખાણખનીજ વિભાગની ટીમ પર પથ્થરમારો કર્યો હતો.
જેમાં સ્વબચાવમાં ખનીજ ટીમના સીક્યોરીટી ગાર્ડ દ્વારા હવામાં બે ફાયરિંગ કરતાં નાસભાગ મચી જવા પામી હતી. ખાણ ખનીજની ટીમ બાદ પોલીસે સ્થળ પર જઈ રેઈડ કરી હતી. જેમાં માત્ર એક હીટાચી મશીન મળી આવ્યું હતું. જ્યારે ભૂમાફિયાઓ ડમ્પરો લઈ નાસી છુટયા હતા. જ્યારે પથ્થરમારામાં સીક્યોરીટી ગાર્ડ મનીષભાઈને ઈજાઓ પહોંચી હતી.
આ અંગે ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝર નૈતિકભાઈ કણજરિયાએ હિટાચીચાલક, બે ડમ્પરચાલકો, ગોબરભાઈ કોળી, બળવંતભાઈ, કિર્તિભાઈ સહિત અન્ય ૭ થી ૮ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયા સહિત પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.