દેશી દારૃના 8 દરોડામાં માત્ર 3 ઝડપાયા, 5 શખ્સો ફરાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યવાહી
45 લિટર દારૃ જપ્ત કરી તમામ સામે ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ કુલ જગ્યાએ પોલીસે દરોડા કર્યાં હતા. જેમાં એક મહિલા સહીત કુલ ૩ ને ઝડપી લીધા હતાં. જ્યારે દરોડા દરમિયાન પાંચ શખ્સો હાજર મળી આવ્યા ન હતાં. આ દરોડામાં કુલ ૪૫ લીટર દેશી દારૃ ઝડપી લેવામાં આવ્યો હતો.
બજાણા પોલીસે ખેરવા ગામે મકાનમાં દરોડો કરી ૩ લીટર દેશી દારૃ ઝડપી લીધો હતો. જ્યારે મકાન માલિક નરેશભાઇ હીરાભાઇ રાઠોડ હાજર મળી આવ્યો ન હતો. તેમજ રાજપર ગામે મકાનના ફળીયામાંથી ૨ લીટર દેશી દારૃ ઝડપી લીધો હતો અને મકાન માલિક સુરેશભાઈ જનકભાઇ કોળી હાજર મળી આવ્યો ન હતો.
જ્યારે નાની મોલડી પોલીસે રામપરા ખાટડી રોડ પર કેનાલ પાસેથી ૧૨ લીટર દેશી દારૃ ઝડપી લીધો હતો. જ્યારે આરોપી નરેશભાઇ મોહનભાઇ વાઘેલા હાજર મળી આવ્યો ન હતો. તેમજ ધ્રાંગધ્રા સિટી પોલીસે પાલિકા બજાર પાસેથી ૧૦ લીટર દેશી દારૃ સાથે ધ્રાંગધ્રાના જયંતિભાઇ હરજીભાઇ લકુમને ઝડપી લીધો હતો.
જ્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે ગાળા ગામના તળાવની પાળ પાસેથી હરેન્દ્રસિંહ કીરીટસિંહ જાડેજાને ૩ લીટર દેશી દારૃ સાથે ઝડપી લીધો હતો. તેમજ વસાડવા ગામે મકાનમાંથી પાંચ લીટર દેશી દારૃ ઝડપી લીધો હતો પરંતુ મકાન માલિક ભાઇલાલભાઇ નાથાભાઇ સરવાલીયા હાજર મળી આવ્યો નહતો.
જોરાવરનગર પોલીસે રામપરા ગામે મકાનમાંથી બે લીટર દેશી દારૃ ઝડપી લીધો હતો જ્યારે મકાન માલિક ભરતભાઇ ઉર્ફે ભુરો વશરામભાઇ કોડીયા હાજર મળી આવ્યો ન હતો. મુળી પોલીસે પાંડવરા ગામેથી સજનબેન નાગરભાઇ અઘારાને ૭ લીટર દેશી દારુ સાથે ઝડપી લીધી હતી.
જિલ્લામાં પોલીસે કુલ ૮ જગ્યાએ દરોડા કરવા છતાં માત્ર ૪૫ લીટર દેશી દારૃ જ ઝડપાતા તેમજ ૮ દરોડા પૈકી પાંચ દરોડામાં આરોપી હાજર ન મળી આવતા કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે.