મુળીના સરામાં ગેરકાયદે ખનન કરતું ડમ્પર અને એસ્કેવેટર મશીન જપ્ત

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
મુળીના સરામાં ગેરકાયદે ખનન કરતું ડમ્પર અને એસ્કેવેટર મશીન જપ્ત 1 - image


- તળાવમાંથી સફેદ માટીનું ખનન કરાતું હતું 

- 60 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી : સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ ખોદકામ ચાલતું હોવાના આક્ષેપો

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના સરા ગામમાં આવેલા તળાવમાં ગેરકાયદેસર સફેદ માટીનું ખનન થતું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગની ટીમે દરોડો કર્યો હતો. જેમાં તળાવમાં ગેરકાયદેસર ખનન કરતું એક એક્સેવેટર મશીન સહીત કુલ રૂા.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મુળી તાલુકાના સરા ગામના તળાવમાંથી ખુલ્લેઆમ ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરવામાં આવતુ હોવાની ફરિયાદ ઉઠી હતી. આથી સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગની ટીમે દરોડો કર્યો હતો. જેમાં સરા ગામના તળાવમાંથી ગેરકાયદેસર સફેદ માટીનું ખનન ઝડપી પાડયું હતું. ખાણખનીજ વિભાગની ટીમે ખોદકામ કરતુ એક એક્સેવેટર મશીન તેમજ ખનીજના વહનમાં ઉપયોગમાં લેવામાં આવતુ એક ડમ્પર સહીત કુલ રૂા.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ મુદ્દામાલ સીઝ કરી કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મુળી તાલુકામાં મોટા પ્રમાણમાં કાર્બોસેલ, રેતી અને સફેદ માટી સહીતના ખનીજનો ભંડાર આવેલો છે, ત્યારે સરામાં ગામના તળાવમાં જ ખુલ્લેઆમ ગેરકાયદેસર ખનન થતું હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. 


Google NewsGoogle News