Get The App

સફાઇ કર્મીઓેની જગ્યા નહીં ભરાય તો ભાજપના જ સદસ્યા આંદોલન કરશે

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
સફાઇ કર્મીઓેની જગ્યા નહીં ભરાય તો ભાજપના જ સદસ્યા આંદોલન કરશે 1 - image


- ભાજપ શાસિત સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં

- દસ દિવસમાં સમસ્યાનો ઉકેલવા મહિલા સદસ્યએ પાલિકા તંત્રને લેખિત રજૂઆત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નં.૮માં નિવૃત્ત થયેલા સફાઈ કામદારોેની જગ્યા ભરવા સહિતની માગ સાથે સ્થાનિક મહિલા સદ્દસ્યએ પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. મહિલા સદસ્યએ માંગણીનો ઉકેલ ૧૦ દિવસમાં નહીં આવે તો પાલિકા તંત્ર સામે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નં.૮માં આવેલા જે-૮ ઝોનમાં તાજેતરમાં વયમર્યાદાના કારણે નિવૃત થયેલા સફાઈ કામદારો તેમજ ચાલુ ફરજ ઉ૫ર રહેલા કામદારનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ટાંકી ચોક ઝોનમાં વયમર્યાદા અને મૃત્યુના કારણે કેટલાક સફાઈ કામદારોની જગ્યાઓ ખાલી પડી છે જેના કારણે શેરીમાં સફાઈ સહિત કચરાના નિકાલની કામગીરી થતી નથી.

ત્યારે આગામી ૧૦ દિવસમાં આ વોર્ડમાં ખાલી પડેલી જગ્યામાં સફાઈ કામદારોની ભરતી કરવાની માગ સાથે વોર્ડ નં.૮ના સ્થાનિક મહિલા સદ્દસ્ય જયાબેન ભાવીનભાઈ કાવેઠીયાએ પાલીકા પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને લેખિત રજૂઆત કરી છે. મહિલા સદસ્યએ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વોર્ડના રહિશોને સાથે રાખી પાલિકા તંત્ર વિરૃધ્ધ આંદોલન કરવાની પણ ચિમકી ઉચારી હતી.  

નોંધનિય છેકે છેલ્લા ઘણા સમયથી ભાજપ શાસિત સંયુક્ત પાલિકામાં ભાજપના સદસ્યો જ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને સત્તાધિશો સામે બાંયો ચઢાવતા નજર આવે છે. તાજેતરમાં નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના ચૂંટાયેલા સદસ્યએ પસાર થયેલા ઠરાવ પર વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ શાસિત નગરપાલિકામાં વારંવાર બનતી આવી ઘટનાથી ક્યાંક સત્તાધીશો અને ભાજપના સદ્દસ્યો વચ્ચે જ સંકલનના અભાવે મનમેળ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


Google NewsGoogle News