ધ્રાંગધ્રા હાઈવે પરથી ડીઝલ વેચતો હોટલ માલીક ઝડપાયો
- હરિપર બ્રિજની હોટેલમાં કારમાં વેચાણ થતું હતું
- ગેરકાયદે 200 લિટર ડીઝલ અને કાર સહિત રૃા. 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અવાર-નવાર ગેરકાયદેસર ડિઝલ વેચાતું હોવાનું ધ્યાને આવે છે ત્યારે ધ્રાંગધ્રા હાઈવે પર પોલીસે એક હોટલમાં રેઈડ કરીને હોટલ માલીકને ૨૦૦ લીટર ડિઝલ સાથે ઝડપી પાડયો છે.
ઝાલાવાડમાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે અને અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવે પર બેફામ ગેરકાયદેસર ડિઝલ વેચાય છે. અમુક બનાવમાં હાઈવે પર પસાર થતા ડિઝલના ટેન્કરોમાંથી ડિઝલ ચોરી પણ સામે આવે છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને હરિપર બ્રીજ નીચે આવેલ દ્વારકાધીશ હોટલમાં ગેરકાયદે ડિઝલ વેચાતું હોવાની બાતમી મળતા રેઈડ કરાઈ હતી જેમાં હોટલના માલીક મુળ રાજસ્થાનના જાકીરખાન નાસીરખાન સીંધી ઈકો કારમાં ૨૦૦ લીટર ડિઝલ સાથે પક્ડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ડિઝલનો જથ્થો છુટક વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાનું જણાવતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી ૨૦૦ લીટર ડિઝલ કિંમત રૃા.૧૮,૦૦૦ અને એક કાર કિંમત રૃા.૧ લાખ સહિત કુલ રૃા.૧.૧૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી જાકીરખાન સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.