સુરેન્દ્રનગર જિલ્લાનાં પાંચ શિક્ષકોનું સન્માન
- પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા
- જિલ્લા કક્ષાનાં 2 અને તાલુકા કક્ષાના 3 શિક્ષકોને રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર અપાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં વઢવાણ ખાતે કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી કિરિટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમાં જિલ્લા કત્રાના બે અને તાલુકા કક્ષાના ત્રણ મળી પાંચ શિક્ષકોને રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર આપી સનમાન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે કિરિટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ નિર્ણયો લીધા છે. જેના પરિણામે આજે શિક્ષણ આંગળીના ટેરવે ઉપલબ્ધ બન્યું છે. આજે છેવાડાના વિસ્તારમાં બાળકોને કમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે.
કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય અને જિલ્લા કલેકટર કે.સી.સંપટે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. આ પ્રસંગેં જિલ્લા કક્ષાના ૨ અને તાલુકા કક્ષાના ૩ શિક્ષકોને મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટે સ્વાગત પ્રવચન કર્યું હતું અને પ્રકાશ પંડયાએ આભાર વિધિ કરી હતી.