વાડીમાં પશુ ચરાવવાની ના પાડતા પશુપાલકે વાડી માલિકને માથામાં લાકડીના ઘા માર્યા
- ઘ્રાંગઘ્રા તાલુકાના સોલડી ગામમાં
- બે પશુપાલકો સામે ભેલાણ કરી નુકસાન કર્યાની તેમજ માર માર્યાની ફરિયાદ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં આવેલ વાડીમાં પશુપાલકો દ્વારા પશુ ચરાવતા વાડી માલિકે પશુઓ ચરાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા બે પશુપાલકોએ વાડી માલિકને માથામાં લાકડીમા ઘા ઝીંકી દીધા હતા જેથી વાડી માલિકને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત વાડી માલિકે બે પશુપાલકો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ભરતભાઇ મગનભાઇ કાવરની વાડીમાં પશુપાલકો દ્વારા ઘઉંના પાકમાં પશુઓ ચરાવતા હતા. જે અંગે વાડી માલિક ભરતભાઇને જાણ થતાં તે તાત્કાલિક વાડીએ દોડી ગયા હતા અને ત્યાં હાજર પશુપાલક કનાભાઇ પોપટભાઇ ગોલતર તેમજ વિપુલ ઉર્ફે લાખો જાલાભાઇ ગોલતરને પશુઓ બહાર કાઢવાનું કહેતા બન્ને શખ્સો ઉશ્કેરાઇને અપશબ્દો બોલવા લાગતા ભરતભાઇએ ગાળો બોલવાની ના પાડતા બન્ને શખ્સોએ ભરતભાઇને માથાના ભાગે લાકડી ના ઘા ઝીંકી દેતા ભરતભાઇ ઢળી પડયા હતા.
આ અંગે પરિવારજનોને જાણ થતાં ભરતભાઇને તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ભરતભાઇ કાવરે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કનાભાઇ ગોલતર તેમજ વિપુલ ઉર્ફે લાખો ગોલતર વિરૂધ્ધ ખેતરમાં ભેલાણ કરી નુકસાન કર્યાની તેમજ લાકડી વડે માર માર્યા અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.