જોરાવરનગર ખારાકુવા પાસે અગાઉના ઝઘડાના મનદુઃખ બાબતે ધીંગાણુ
- બે શખ્સોએ યુવાન સહીત 4 વ્યક્તિઓને લોખંડના ખીલાના ઘા ઝીંક્યાં
- જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ
સુરેન્દ્રનગર : જોરાવરનગર ખારાકુવા વિસ્તારમાં અગાઉમા ઝઘડાના મનદુઃખ બાબતે બે શખ્સોએ યુવાન પર લોખંડના ખીલા વડે હુમલો કર્યો હતો તે દરમિયાન યુવાનને બચાવવા આવેલા તેના ભાઇ તેમજ કાકા સહીત કુલ ૪ વ્યક્તિઓને માર મારતા ઇજાગ્રસ્ત તમામ ૪ વ્યક્તિઓને સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા જ્યારે હુમલો કરનાર બન્ને શખ્સો ફરાર થઇ ગયાં હતાં. આ મામલે જોરાવરનગર પોલીસ મથકે બે શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં મારામારીના બનાવો સતત વધી રહ્યાં છે ત્યારે વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે આ બનાવ અંગે જોરાવરનગર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ જોરાવરનગર લાતીબજારમાં રહેતા અનિલભાઇ નાનુભાઇ ચાવડા ખારાકુવા પાસે બેઠા હતા તે દરમિયાન નાનુભાઇ રણછોડભાઈ લાંબરીયા ત્યાં ધસી આવ્યા હતા અને તારાભાઇને મે માર્યો હતો હવે તારો વારો છે તેમ કહી માથાના ભાગે ખીલાના બે ઘા માર્યા હતાં અને મારામારી થતાં અનીલભાઇને બચાવવા જતાં તેમના રત્નાભાઇ ભીખાભાઇ ચાવડા, જયેશભાઇ કમાભાઇ ચાવડા અને ભાઇ અર્જુનભાઇ રત્નાભાઇ ચાવડા સહીતનાઓને પણ લોખંડના ખીલા વડે માર માર્યો હતો તે દરમિયાન નાનુભાઇના પિતા રણછોડભાઈ મેરાભાઇ લાંબરીયા પણ ત્યાં ધસી આવ્યા હતા અને અનિલભાઇ સહીતનાઓને ઝાપટો મારવા લાગ્યા હતાં. મારામારીના કારણે દેકારો થતાં આસપાસનાં લોકો દોડી આવતા પિતા પુત્ર ફરાર થઇ ગયાં હતાં. જ્યારે ઇજાગ્રસ્ત ચાર શખ્સોને સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત અનીલભાઇએ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા જોરાવરનગર પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધીવધુ તપાસની કામગીરી હાથ ધરી છે.