Get The App

વઢવાણમાં ગેરકાયદે ચાલતી શાળા બંધ કરાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
વઢવાણમાં ગેરકાયદે ચાલતી શાળા બંધ કરાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત 1 - image


- ગેરકાયદે બાંધકામ દૂર કરવા માંગ

- વર્ષ 2019 માં ગેરકાયદે બાંધકામ દૂર કરવાના કલેક્ટરના હુકમને ઘોળીને પી ગયા 

સુરેન્દ્રનગર : વઢવાણ ૮૦ ફૂટ રોડ પર નવરંગ સોસાયટી-૨ ઉપર માલિકીની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી ગેરકાયદે શાળા ચલાવવામાં આવતી હોવાની જગ્યાના માલિક દ્વારા ડીએસપી, જિલ્લા શિક્ષણાધિકારી સહિત મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરવામાં આવી હતી. 

વઢવાણ ૮૦ ફુટ રોડ પર રહેતા અરજદાર નરેન્દ્રભાઈ પ્રાગજીભાઈ પટેલની માલીકીની ૮૦ ફુટ રોડ પર આવેલા નવરંગ સોસાયટી-૨ ઉપર ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત શારદા ગીતા વિદ્યાલયની મંજુરી કવીતા ચેમ્બર મધુબેન પુનાલાલ ગોળના મકાનમાં મળેલી છે. જેનો ભાડાકરાર વર્ષ ૨૦૦૯નો છે.

આ બિલ્ડીંગમાં માત્ર પાંચ ઓરડાઓ આવેલા છે પરંતુ સરકારના નિયમ મુજબનો એકપણ વર્ગખંડ નથી. તેમ છતાંય આ બિલ્ડીંગમાં માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉચ્ચતર પ્રાથમિક શાળા મળીને કુલ ૧૧ વર્ગ ચાલી રહ્યાં છે. શાળાને એકપણ ફૂટનું મેદાન કે પાર્કિંગ નથી છતાં મંજુરી મેળવેલી હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે સંસ્થા દ્વારા કોમન પ્લોટને મેદાન તરીકે રાખવામાં આવ્યું છે.

આ કોમ્પ્લેક્ષમાં બે માળ સુધી કોમર્શીયલ દુકાનો ઓફીસો છે. તેના ઉપરનું ધાબુ અરજદાર અને પુનાલાલ ગોળ દ્વારા વર્ષ ૨૦૧૫માં સંયુક્ત ભાગીદારીથી ખરીદવામાં આવ્યું હતું. અરજદારના ભાગીદારે અનઅધિકૃત રીતે શાળાનું બાંધકામ કરી કબજો જમાવી શારદા ગીતા વિદ્યાલયના વર્ગો અને ટયુશન ક્લાસ ચલાવી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો છે. 

આ બીલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનોની પણ સુવિધા નથી. ત્યારે રાજકોટ કે સુરત અગ્નિકાંડ જેવો બનાવ બનવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. આ અંગે અરજદારે અગાઉ વર્ષ ૨૦૧૯માં જિલ્લા કલેકટરને લેખીત જાણ કરતા કલેકટર સહિતનાઓએ સ્થળ તપાસ કરી કોમ્પ્લેક્ષના ઉપરના માળનું બાંધકામ દુર કરવાનો હુકમ તેમજ નોટિસ પાઠવી હતી.

 છતાં હજુ પણ બિલ્ડીંગના ઉપરના માળે શાળા ચાલી રહી છે. ત્યારે અરજદારની માલીકીની જગ્યામાં કરેલા ગેરકાયદે બાંધકામ હટાવી ગેરકાયદે ચાલતી શાળા બંધ કરાવી બિલ્ડીંગને સીલ કરવાની લેખીત રજૂઆત મુખ્યમંત્રીને કરી હતી. 



Google NewsGoogle News