પાટડીના પાડીવાળા ગામના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડુતોને મોટાપાયે નુકશાન
- તળાવના ઓવરફલો પાણીના નિકાલની વ્યવસ્થા બંધ કરી દેતા હાલાકી
- અંદાજે 50 થી વધુ ખેડુતોને નુકશાન પહોંચતા રજુઆત કરાઈ
સુરેન્દ્રનગર : ૫ાટડી તાલુકાના પાડીવાળા ગામના ખેતરોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં અનેક ખેડુતોના પાકને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે ત્યારે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે ભોગ બનનાર ખેડુતોએ લેખીત રજુઆત કરી હતી અને તાત્કાલીક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ પાટડી તાલુકાના પાડીવાળા ગામના તળાવમાંથી અગાઉ વરસાદી પાણીનો નિકાલ નાકા મારફતે થઈ જતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી પાણીના નિકાલ માટેનું નાકુ બંધ કરી દેતા તળાવનું ઓવરફલો થયેલ પાણી ખેડુતોના ખેતરમાં ફરી વળે છે જેમાં અંદાજે ૫૦થી વધુ ખેડુતોના ખેતરમાં પાણી ફરી વળતાં કપાસ સહિતના પાકને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે અને ખેડુતોની હાલત કફોડી બની છે અને પાકો નિષ્ફળ ગયા છે ત્યારે તાત્કાલીક તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને સરકાર દ્વારા પણ ખેડુતોને થયેલ નુકશાન અંગે વળતર ચુકવવામાં આવે તેવી માંગ સાથે ખેડુતોએ રજુઆત કરી હતી.