સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસની ન્યાય યાત્રામાં ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા
- ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિર સાવરકરના વિરોધ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીને જાહેરમાં ડિબેટ કરવા જણાવ્યું
- સાંસદ ગેનીબેન ઠાકોરે ભ્રષ્ટાચાર, મોંધવારી, રોજગારી અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા મુદ્દે ભાજપની ઝાટકણી કાઢી
- જીલ્લાની પાણીની સમસ્યા, ગેરકાયદેસર ખનીજચોરી સહિતના મુદ્દે પણ રોષ દાખવ્યો
- ઠેરઠેર ન્યાય યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર : મોરબીથી ગત તારીખ ૦૯ ઓગસ્ટના રોજ શરૃ કરવામાં આવેલ કોંગ્રેસની ન્યાય યાત્રાનુ ચોટીલા અને મુળી તાલુકામાં આગમન થયા બાદ આજે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવી પહોંચી હતી. જ્યાં રાજકોટ રોડ પર આવેલ ત્રીમંદિર ખાતે બેઠક યોજાયા બાદ મુખ્ય માર્ગો પર થી પસાર થયા બાદ લખતર તરફ રવાના થઈ હતી. જેમાં કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનો અને હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને ભાજપ સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.
તાજેતરમાં ગુજરાતમાં બનેલ મોરબી પૂલકાંડ, સુરત તક્ષશિલા કાંડ, વડોદરા હરણીકાંડ અને રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાઓમાં ભોગ બનેલ પીડિતોના પરિવારજનોને ન્યાય મળે અને દોષિતોને કડક સજા થાય તેવી માંગ સાથે મોરબી ખાતે થી ગત તારીખ ૦૯ ઓગસ્ટના રોજ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા, મુળી અને સાયલા તાલુકામાં ન્યાય યાત્રા ફર્યા બાદ આજે સવારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આગમન થયું હતુ જેમાં મુળી હાઇવે પર આવેલ ત્રીમંદિર ખાતે એકત્ર થયા બાદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી વઢવાણ થી લખતર તરફ જવા રવાના થઈ હતી. આ ન્યાય યાત્રામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્યો નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા, રાષ્ટ્રિય કોંગ્રેસ દળના લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલીયા સહિતના અલગ અલગ રાજ્યોમાંથી જોડાયેલ આગેવાનો, સ્થાનિક આગેવાનો, મહિલાઓ અને કાર્યકરો જોડાયા હતા. આ તકે ન્યાય યાત્રાનુ ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ન્યાય યાત્રા દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લાના સ્થાનિક પ્રશ્નો ગેરકાયદેસર ખાણ ખનીજ ચોરી, શ્રમિકોના મોત, પાણીની સમસ્યા, ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નો અંગે લોકોની રજૂઆતો મળી છે. જે પ્રશ્નો ન્યાય યાત્રા દ્વારા ગાંધીનગર સુધી લઈ જઈ સરકારને ઉગ્ર રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવશે. જ્યારે ચોટીલાના સાંગાણી ખાતે વીર સાવરકરના ટીશર્ટ મુદ્દે વિરોધ બદલ થયેલ ફરિયાદ મુદ્દે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વીર સાવરકર દ્વારા લખેલ માફીનામ સરકારના સંગ્રાહલયમાં પડયા છે તે વાંચી લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગમે ત્યારે જાહેરમાં સ્થળ અને સમય નક્કી કરી ડીબેટ કરવાની ચેલેન્જ આપી હતી. તેમજ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ પોતાના વિરૃદ્ધ થયેલ ફરિયાદ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસની ન્યાય યાત્રાને સફળ નહિ થવા દેવા માટે ઈરાદાપૂર્વક ભાજપની સાજીશ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને કાનૂની રીતે ભાજપ સામે લડત આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતુ. જ્યારે કોંગ્રેસની ન્યાય યાત્રા થી જીલ્લાના ભાજપના રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.