Get The App

સુરેન્દ્રનગરના થાનમાં બે કલાકમાં દોઢ અને ચોટીલામાં સવા ઈંચ વરસાદ

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરના થાનમાં બે કલાકમાં દોઢ અને ચોટીલામાં સવા ઈંચ વરસાદ 1 - image


- અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારેથી લઈ નોંધપાત્ર વરસાદ

- ખેતરોમાં બચેલા પાક પર પણ પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી 

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના મુળી, ચોટીલા અને થાન તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેની અસરના પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહૃય ગરમી અને ઉકળાટ વચ્ચે અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. જેમાં મુળી તાલુકામાં મુળી સહિત દુધઈ, પલાસા, ધોળીયા, સડલા, ખાટડી, રામપરડા, વગડીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ચોટીલા શહેરી વિસ્તારો સહિત આસપાસના રેશમીયા, પીપળીયા, ઢોકળવા, આણંદપુર સહિતના અનેક ગામોમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. 

જ્યારે થાન શહેરી વિસ્તારો તેમજ આસપાસના અભેપર, વિજળીયા, તરણેતર, નવાગામ સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. જેમાં થાન તાલુકામાં માત્ર બે કલાક સાંજે ૪-૦૦ થી ૬-૦૦ દોઢ ઈંચ અને ચોટીલા તાલુકામાં પણ સાંજે ૪-૦૦ થી ૬-૦૦માં સવા ઈંચ થી વધુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય જીલ્લાના  ધ્રાંગધ્રા, પાટડી, લીંબડી, ચુડા, લખતર અને વઢવાણ સહિતના તાલુકાઓમાં ધીમીધારેથી લઈ નોંધપાત્ર વરસાદ પડયો હતો. સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં મોડીસાંજે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા નોંધાયા હતા. સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને ખેડુતો વિવિધ પાકોનું વાવેતર કરી સમૃધ્ધ બન્યા છે પરંતુ ચાલુ વર્ષે જન્માષ્ટમીથી લઈ અત્યાર સુધીમાં સતત ચાર વખત અનિયમીત વરસાદ પડતા ખેડુતોના કપાસ સહિતના પાકને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે. ત્યારે ખેતરોમાં હવે જે પાક બચ્યો છે તેના પર ખેડુતોને આશા બંધાઈ હતી પરંતુ હાલ પડી રહેલ વરસાદથી આ પાકને પણ નુકશાન થશે તેવી ભીતી સેવાતા ખેડુતોને હાલત કફોડી બની છે. આમ ચાલુ વર્ષે ઝાલાવાડના ખેડુતો માટે એકંદરે ચોમાસું નુકશાન કારક સાબીત થયું છે.



Google NewsGoogle News