ઝાલાવાડમાં ગુરૂપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ
- ગુરૂપુજન, વંદના, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
- દુધરેજ વડવાળા મંદિર તેમજ લખતર સહિતના ધાર્મિક સ્થળો પર ભક્તોની ભીડ ઉમટી
સુરેન્દ્રનગર : ઝાલાવાડમાં પણ શહેરી વિસ્તારો સહિત તમામ તાલુકાઓમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે મંદિર, ધાર્મિક સ્થળો, ગુરૂ ગાદીઓ, આશ્રમો સહિતના સ્થળો પર સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અને પોતાના ગુરૂને વંદના કરી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ઝાલાવાડમાં પણ ગુરૂપૂર્ણિમાની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે આવેલ સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા વડવાળા મંદિર ખાતે પણ ગુરૂ૫ૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી રબારી સમાજ સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહામંડલેશ્વર પ.પુ.ધ.ધુ ૧૦૦૮ કનીરામ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુરૂવંદના અને પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, રાજકોટ, દ્વારકા, વડોદરા સહિતના જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં રબારી સમાજ સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા .
અને મહામંડલેશ્વર પ.પુ.ધ.ધુ ૧૦૦૮ શ્રી કનિરામ બાપુ તેમજ કોઠારી મુકુંદરામ બાપુના ચરણ સ્પર્શ કરી, શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી ગુરૂપૂજા અને ગુરૂવંદના કરી હતી. વહેલી સવાર થી જ વડવાળા મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી જ્યારે મંદિરમાં ગુરૂ૫ૂર્ણિમા નિમિત્તે પૂજા, અર્ચના અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને સમગ્ર માહોલ જય વડવાળા દેવના નાદ સાથે ગુંજી ઉઠયો હતો. આ તકે કોઠારી મુકુંદરામ બાપુએ રબારી સમાજ સહિત દરેક સમાજને ગુરૂ૫ૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી અને સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને સમાજ સંગઠીત તેમજ શિક્ષિત બને તેવો સંકલ્પ લીધો હતો.
આ ઉપરાંત લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગુરૂપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામા આવી હતી. ત્યારે લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મંદિરો, આશ્રમો, ગુરુદ્વારા, શાળાઓ સહિત ધાર્મિક સંસ્થાઓની અંદર વહેલી સવારથી જ ભક્તો મંદિરના દ્વારે પહોંચીને ગુરુ દર્શન કરવા ઉમટી પડયા હતા. ગુરૂપૂર્ણિમા નિમિતે ગુરૂવંદના, ગુરૂપૂજન, સત્સંગ સભા, ભજન કીર્તન, આરતી, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજનથી ધાર્મિક માહોલ છવાયો હતો.
ત્યારે લખતર શહેરમાં આવેલ નારાયણની દેરી, ગાયત્રી મંદિર, રામ મહેલ, નાના રામજી મંદિર, જગદીશ આશ્રમ, ચરમાળિયા દાદાની દેરી, ગેથળા હનુમાનજી મંદિર સહિતની ધાર્મિક સ્થળોએ ગુરૂપૂર્ણિમાની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી.