સુરેન્દ્રનગર મેળાનું મેદાન ખાલી કરાવતા ગુજરી બજારના ધંધાર્થીઓને હાલાકી
- કલેક્ટર અને પાલિકા તંત્રને લેખિત રજૂઆત
- ગુજરી બજારમાં જૂના કપડાં અને ભંગાર વેચી વેપાર કરતા છૂટક ધંધાર્થીઓને રિવરફ્રન્ટ પાસે જગ્યા ફાળવવા માંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં સ્ટે ઉઠી જતાં હાલ મેદાનને ખાલી કરાવવામાં આવ્યું છે. ત્યારે મેળાના મેદાનમાં દર રવિવારે ભરાતી ગુજરી બજારમાં જુના કપડા તેમજ ભંગાર વેચી વેપાર કરતા છુટક ધંધાર્થીઓએ રિવરફ્રન્ટ પાસે જગ્યા ફાળવવાની માંગ સાથે જિલ્લા કલેકટર અને પાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી છે.
આ અંગે રજૂઆતમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર પાલિકા તેમજ વહિવટી તંત્ર દ્વારા બજાર વિસ્તારમાં ઉભા રહેતા લારીધારકોને અલગ-અલગ ત્રણ વૈકલ્પિક જગ્યાઓ પર ખસેડાયા છે. તો બીજી બાજુ મેળાના મેદાનમાં સ્પોર્ટસ સંકુલ બનવાનું હોય સ્ટે ઉઠી જતા રાતોરાત મેળાનું મેદાન પણ તંત્ર દ્વારા ખાલી કરી દેવાયું છે.
ત્યારે આ મેળાના મેદાનમાં છેલ્લા ઘણા વર્ષોથી દર રવિવારે ભરાતી ગુજરી બજારમાં કેટલાક લોકો માત્ર રવિવારે જ જુના કપડા, ભંગાર, જુનુ ફર્નીચર સહિતની વસ્તુઓનું છુટક વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં પરંતુ તંત્ર દ્વારા મેળાનું મેદાન ખાલી કરાવતા હાલ દર રવિવારે ભરાતી ગુજરી બજાર અન્ય રસ્તાઓ પર આડેધડ ભરાય છે.
જેના કારણે ટ્રાફિકની સમસ્યા તો સર્જાય જ છે પરંતુ ગુજરી બજારમાં ધંધો કરતા અનેક ગરીબ પરિવારોને ધરાકી નહિં રહેતા પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. આથી દર રવિવારે ગુજરી બજારમાં છુટક ધંધો કરતા ધંધાર્થીઓએ આ મામલે જિલ્લા કલેકટર તેમજ પાલિકા તંત્રને લેખીત રજૂઆત કરી હતી.
તેમજ કુંભારપરા પાસે આવેલા રીવરફ્રન્ટની જગ્યા ધંધા માટે ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. આ રજૂઆત દરમિયાન મોટીસંખ્યામાં છુટક ધંધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.