Get The App

કમોસમી વરસાદથી પાકને થયેલા નુક્સાનના ઉપાયો અંગે માર્ગદર્શિકા જાહેર

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
કમોસમી વરસાદથી પાકને થયેલા નુક્સાનના ઉપાયો અંગે માર્ગદર્શિકા જાહેર 1 - image


- સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સુચના

- કપાસ, ઘઉં, ચણા, શાકભાજીના પાકોને સુરક્ષીત રાખવા માર્ગદર્શન આપ્યું   

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તાજેતરમાં કમોસમી વરસાદના કારણે વાવણી તેમજ રોપણી કરેલા પાકો તથા ઉભા પાકોને નુકશાની જવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે તેના બચાવ માટેના ઉપાયો જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. 

જે મુજબ કપાસના પાકમાં વરસાદના કારણે કપાસનું રૂ ભીનું થવાથી રૂની ગુણવત્તા પર અસર થઈ શકે છે. જેના માટે રૂ ની વહેલી તકે વીણી કરી લેવી, ખેતરમાં વરસાદના વધારાના પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા કરવી અને હાલ પૂરતું પિયત આપવાનું ટાળવું જોઈએ.

તુવેરના પાકમાં વાદળછાયા અને ભેજવાળા હવામાનના કારણે શીંગ માખીનો ઉપદ્રવ થઈ શકે છે. જેના બચાવ માટે હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની એમામેકટીન બેન્ઝોએટ ૪ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી દવાનો છંટકાવ કરવો ખેતરમાં વરસાદના વધારાના પાણીને નિકાલ માટે વ્યવસ્થા કરી પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું. 

જ્યારે ચણામાં તાજેતરમાં વાવણી કરેલ પાકના ઉગાવવા પર અસર થઈ શકે છે. આગોતરા વાવણી કરેલ પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ થઈ શકે છે. જેના બચાવ માટે ખેતરમાં હેક્ટર દીઠ ૨૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું.

 દિવેલામાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે લશ્કરી અને ઘોડિયા ઈયળનો ઉપદ્રવ થઈ શકે છે. જેમાં હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની એમામેકટીન બેન્ઝોએટ ૪ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી દવાનો છંટકાવ કરવો તેમજ ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું. 

શાકભાજી પાકોમાં ફુલ ફળનું ખરણ થઈ શકે, રોગ જીવાત (ચુસીયા/કોકડાવા)નો ઉપદ્રવ તેમજ વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે છે. જેના માટે પિયત આપવાનું હાલ પૂરતું ટાળી ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો તેમજ હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની (સ્પીનોસાડ ૩મી.લી/ ૧૦ લીટર પાણીમાં ભેળવી દવાનો છંટકાવ કરવો. 

ઘઉમાં બીજના ઉગવા ઉપર અસર થઈ શકે છે તેના માટે ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી વાવણી હાલ પૂરતી મુલતવી રાખવી. જીરુ/ વરિયાળી /ધાણામાં બીજના ઉગવા ઉપર અસર થઈ શકે જેના માટે પિયત આપવાનું હાલ પૂરતું ટાળી ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી. 

જ્યારે રાઈમાં વાદળ છાયા અને ભેજવાળા હવામાનની કારણે રોગ-જીવાતનો ઉપદ્રવ થઈ શકે છે. હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની દવાનો છંટકાવ કરવો તેમજ પિયત હાલ પૂરતું આપવાનું ટાળી ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. 

કાપણી/ લણણી કરેલા પાકોની ખેતપેદાશોને સલામત જગ્યાએ મૂકી અથવા તાડપત્રી વડે ઢાંકીને રાખવા. આ અંગે વધુ જાણકારી માટે પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧નો સંપર્ક કરવા જણાવ્યું છે.


Google NewsGoogle News