વઢવાણમાં દીકરીના લગ્ન પ્રસંગે મહેમાનોને મતદાનનો સંદેશ આપ્યો
- બીએલઓની અનોખી પહેલ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા વિશેષ પ્રયાસો અને નવતર પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જિલ્લામાં વધુ મતદાન થાય તે માટે બુથ લેવલ ઓફીસરો દ્વારા પણ પ્રયાસો કરી મતદાર જાગૃતિ ચલાવવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે વઢવાણ વિધાનસભામાં સમાવિષ્ટ ભાગ નંબર ૨૦૯ના બુથ લેવલ ઓફિસર હર્ષદભાઈ જાદવના દીકરીના લગ્ન સમારંભમાં પધારેલા મહેમાનોને ચૂંટણીમાં અચૂક મતદાનનો સંદેશ અપાયો હતો. નવદંપતિને આર્શિવાદ આપવા માટે પધારેલા મહેમાનોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે માટે એન્ટ્રી ગેઈટ ઉપર જ સેલ્ફી પોઈન્ટની સજાવટ સાથે મતદાન વિષયક સ્ટેન્ડી મુકવામાં આવી હતી.
મહેમાનોને આવકારતા હર્ષદભાઈએ અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમજ મતદાનના દિવસે દરેક કામ છોડી સમય કાઢીને મતદાન કરવા જવું જ જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો. આ સમારંભમાં હાજર રહેલા મહેમાનોએ મતદાન અંગે જાગૃત થઈ પરિવાર સાથે અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા.