શહેરમાંથી એકત્ર કચરાને સુરેન્દ્રનગર પાલિકા કચેરીના કંમ્પાઉન્ડમાં ઠાલવ્યો

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
શહેરમાંથી એકત્ર કચરાને સુરેન્દ્રનગર પાલિકા કચેરીના કંમ્પાઉન્ડમાં ઠાલવ્યો 1 - image


- કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનો વિરોધ 

- સસ્તી પ્રસિધ્ધિ માટે ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાતો હોવાનો આક્ષેપ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેરઠેર ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા સહિત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી ખાતે યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ શહેરમાંથી એકત્ર કરેલા એક ટ્રેકટર જેટલા કચરાને પાલિકા કચેરીના કંમ્પાઉન્ડમાં ઠાલવી પાલિકાના સદ્દસ્યો સહિત સત્તાધિશો સામે સ્વચ્છતા મુદ્દે રોષ દાખવ્યો હતો.

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત જિલ્લામાં ઠેરઠેર ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી ખાતે યુથ ક્રોંગ્રેસના જયદિપસિંહ પરમાર, મહાવિરસિંહ પરમાર સહિતનાઓ દ્વારા પાલિકાની હદમાં આવતાં વિસ્તારો જ્યાં સફાઈ કરવામાં ન આવી હોય તેવા અનેક વિસ્તારોમાંથી કચરો અને ગંદકી એકત્ર કરી એક ટ્રેકટર ભરી પાલિકા કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો અને કચેરીના કંમ્પાઉન્ડમાં કચરો ભરેલુ ટ્રેકટર ઠાલવી સ્વચ્છતા મુદ્દે પાલિકાના સદ્દસ્યો સહિત સત્તાધિશો સામે આકરાપ્રહારો કર્યા હતાં.

 તેમજ સ્વચ્છતાના નામે ભાજપના આગેવાનો અને હોદ્દેદારો દેખાવ પુરતું અને સસ્તી પ્રસિધ્ધિ માટે સ્વચ્છતા અભિયાન હાથધરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં શહેરના અનેક વિસ્તારોમાં સફાઈનો અભાવ હોવા છતાં સદ્દસ્યો દ્વારા કોઈ જ કામગીરી ન થતી હોવાનું જણાવ્યું હતું.


Google NewsGoogle News