ટેન્કરના ડ્રાઇવર અને હોટલ સંચાલક સાથે મળીને ડીઝલ-પેટ્રોલની ચોરી કરતી ગેંગ ઝડપાઇ
- લીંબડીના કટારીયા ગામના પાટિયા નજીક હોટલ ક્રિષ્ના કાઠિયાવીડમાં
- ટેન્કરના ડ્રાઇવર, હોટલ સંચાલક સહિત 6 શખ્સની ધરપકડ : પેટ્રોલ-ડીઝલ, બે ટેન્કર સહિત 87.54 લાખનો મુદ્દામલ જપ્ત ઃ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ
સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાના કટારીયા ગામના પાટિયા પાસે હોટલમાં ઓઇલ કંપનીના ટેન્કરમાંથી ડીઝલ-પેટ્રોલની ચોરી કરી ચોરી કરેલું ડીઝલ-પેટ્રોલ બજાર કિંમત કરતા ઓછી કિંમતે વેચી દેવાના ચાલતા કૌંભાડનો એસ.ઓ.જી. પોલીસે દરોડા પાડીને પર્દાફાશ કર્યો હતો. દરોડામાં ૬ વ્યક્તિની ધરપકડ કરી ગેરકાયે સંગ્રહ કરેલું ૪૯,૨૨૦ લિટર ડીઝલ, ૨,૮૦૦ લિટર પેટ્રોલ, બે ટેન્કર સહિત રુ. ૮૭.૫૪ લાખનો મુદ્દામાલ એસઓજીએ જપ્ત કર્યો છે. પોલીસે ૬ આરોપીઓને રોકડ રૃપિયા તેમજ પેટ્રોલ અને ડીઝલના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી તાલુકાના કટારીયા ગામના પાટિયા પાસે આવેલી એક હોટલ ક્રિષ્ના કાઠિયાવાડીના પાછળના ભાગે કંમ્પાઉન્ડમાંથી હાઈવે પર આવતા જતા પેટ્રોલ અને ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદના આધારે એસઓજીની ટીમે દરોડા પાડયા હતા. જેમાં સ્થળ પરથી ૪૯,૨૨૦ લિટર ડીઝલ કિંમત રૃા.૪૪,૬૩,૭૬૧, ૨,૮૦૦ લિટર પેટ્રોલી કિંમત રૃા.૨,૬૫,૮૮૮, બે ટેન્કર અને મોબાઈલ નંગ-૩ મળી કુલ રૃા.૮૭,૫૪,૬૪૯.૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ૬ આરોપીઓને રોકડ રૃપિયા તેમજ પેટ્રોલ અને ડીઝલના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ચોરાઉ ડીઝલ-પેટ્રોલને સસ્તા ભાવે વેચી દેવામાં આવતું હતું.
એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે ટ્રાન્સપોર્ટના માલીકીના ટેન્કરમાંથી હોટલ સંચાલક સહિતનાઓની મીલીભગતથી પેટ્રોલ અને ડીઝલ જેવા પ્રવાહીની ગેરકાયદેસર રીતે ચોરી અને હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો અને ઝડપાયેલ શખ્સો સામે પાણશીણા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસઓજીની ટીમે દરોડા કરતા ફરી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.
ઝડપાયેલ આરોપીઓ
(૧) ભાર્ગવભાઈ પ્રતાપભાઈ ડાંગર (ઉ.વ.૨૮, રહે.રાજકોટ,ચાલક) (૨) ઈન્દ્રજીતભાઈ રાયધનભાઈ વિરડા (ઉ.વ.૨૩, રહે.રાજકોટ) (૩) માવજીભાઈ કાનાભાઈ ડાંગર (ઉ.વ.૫૦, રહે.માધાપર, રાજકોટ) (૪) અજયકુમાર શ્રીરામકુમાર યાદવ (ઉ.વ.૨૪, રહે.ખાવડી ગુપ્તા કોલોની, જામનગર, ડ્રાઈવર) (૫) અભિષેક રામનયન યાદવ (ઉ.વ.૨૧, રહે.ખાવડી ગુપ્તા કોલોની, જામનગર, ક્લીનર) અને (૬) રવિરાજભાઈ હરિસંગભાઈ ચૌહાણ (હોટલ ક્રિષ્ના કાઠિયાવાડીના માલિક ઉ.વ.૩૨, રહે.ભાડુકા તા.સાયલા)ને ઝડપી લીધા હતા.
કેવી રીતે ચાલતું હતું કૌભાંડ
ડીઝલ-પેટ્રોલ ચોરીનું કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું. ઓઇલ કંપનીનો ટ્રક ડીઝલ-પેટ્રોલ ભરીને સપ્લાય કરવા નીકળે અને હોટલ પર જ્યાં રેડ પડી ત્યાં હોલ્ટ કરવા ઉભો રહે એટલે ટોળકી દ્વારા વાલ્વમાં સળિયો નાખી તેમાંથી ડીઝલ-પેટ્રોલ ચોરી લેવામાં આવતું હતું અને પછી તેનું વેચાણ પણ કરી દેવાતું હતું. આ કૌભાંડમાં કંપનીના ડ્રાઈવરોની સંડોવણીની પણ શક્યતા રહેલી છે.
બે-ત્રણ મહિનાથી ચાલતો હતો ગોરખધંધો
એસ.ઓ.જીના દરોડા બાદ જાણવા મળ્યું છે કે ડીઝલ-પેટ્રોલ ચોરીનો આ ગોરખધંધો છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહ્યો હતો અને દરરોજનું ડીઝલ-પેટ્રોલ ચોરીને તાત્કાલિક તેનું વેચાણ પણ કરી દેવામાં આવે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં રેડ પડી ત્યાં દરરોજ મોટી સંખ્યામાં ટ્રકની અવર-જવર રહેતી હોય ડીઝલ-પેટ્રોલ ચોરીને અન્ય ટ્રક ચાલકોને સસ્તા ભાવે વેચી દેવાનું મોકળું મેદાન મળ્યું હતું.