સુરેન્દ્રનગરમાં ગીફ્ટ વાઉચર અને ટુરની ફ્રી ટિકિટના નામે છેતરપિંડી કરતી ગેંગ સક્રીય

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં ગીફ્ટ વાઉચર અને ટુરની ફ્રી ટિકિટના નામે છેતરપિંડી કરતી ગેંગ સક્રીય 1 - image


- રૂા. 25 હજારની છેતરપીંડી થતાં બી ડિવિઝન પોલીસ મથકે અરજી નોંધાઈ 

- પોલીસ એફઆરઆઈ નોંધવાને બદલે જાણવાજોગ અરજી લઈ કાર્યવાહી કરતી હોવાનો આક્ષેપ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં રહેતા શખ્સને ગીફ્ટ વાઉચર અને ફ્રી મુવી ટીકીટના નામે ફોન કરી હોટલમાં બોલાવી ટુરના નામે કુલ રૂા.૨૫ હજાર ખંખેરી લેવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં  છેતરપિંડીનો  ભોગ બનનાર યુવકે બી ડિવિઝન પોલીસ સ્ટેશને અરજી કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

સુરેન્દ્રનગર શહેરમાં સાયબર ક્રાઇમના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ફ્રી ટુર અને ગીફ્ટ વાઉચરની લાલચ આપી રૂા.૨૫ હજારની છેતરપીંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રેલ્વે કોલોની વિસ્તારમાં રહેતા સાહીલભાઇ મહેબુબાઇ કલાડીયાને એક યુવતીનો ફોન આવ્યો હતો અને તેઓને ગીફ્ટ વાઉચર અને ફ્રી મુવીની ટીકીટ મળી છે. જે લેવા માટે શહેરની મિલન સિનેમા નજીક આવેલ હોટલમાં તેમની પત્ની સાથે બોલાવ્યા હતાં. જ્યાં ટુરની અલગ અલગ સ્કીમ બતાવી અલગ અલગ સ્થળના ફોટા બતાવી છેલ્લે રૂા.૩૦ હજારની સ્કીમ બતાવી હતી. તેમજ  પેઇડ એન્ડ વિઝન વોકેશનલ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના નામે વેકેશનમાં ટુરમાં લઇ જવાની માહિતી આપી હતી અને તમામ ખર્ચ કંપની આપશે તેવુ જણાવી રૂા.૧ હજાર પેટીએમ મારફતે લીધા હતાં.

જે બાદ ઇમરાનભાઇ નામનો માણસ સાહિલભાઇના ઘરે આવી વધુ રૂા.૨૪ હજાર ચૂકવવાનું જણાવ્યું હતું. આથી સાહિલભાઇએ ક્રેડિટ કાર્ડ મારફતે પૈસા જમા કરાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ સાહિલભાઇને પોતાની સાથે છેતરપિંડી  થઇ હોવાની જાણ થતાં બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા ગયાં હતા. પરંતુ પોલીસે ફરીયાદ નોંધવાના બદલે માત્ર અરજી લઇ સંતોષ માન્યો હતો. એક પોલીસ અધિકારી સાહિલભાઇને લઇને હોટલ પર ગયા હતા. જ્યાં સાહિલભાઇને બહાર બેસાડી અધિકારી અંદર જઇ અંદાજે એક કલાક બાદ બહાર આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ ગયેલી રકમ પરત મળી જશે તેવુ કહ્યું હતુ. પરંતુ આજ દિવસ સુધી રકમ પરત ન મળતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે.

આ અંગે બિ ડિવિઝન પીએસઆઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે , આવી છેતરપીંડીના બે બનાવો બન્યા હોવાની વિગતો ધ્યાને આવી છે. બંને ભોગ બનનારની અરજી લઇ પોલીસ દ્વારા હાલ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના લોકોને અલગ-અલગ લોભામણી ટુરના નામે સ્કીમો જણાવી ફોન દ્વારા દંપતીને રૂબરૂ મળવા બોલાવી લાલચ આપી છેતરપીંડીના બનાવો વધી રહ્યાં છે ત્યારે એક યુવક ભોગ બનતા પોલીસ મથકે આ અંગે અરજી કરી છે. જેમાં પોલીસ દ્વારા હાલ પગલા ભરવાની ખાત્રી આપવામાં આવી છે. પરંતુ આવા છેતરપીંડીના બનાવોમાં વધુ લોકો ભોગ ન બને તે માટે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ લોકમાંગ ઉઠી છે.


Google NewsGoogle News