Get The App

લીંબડીની બસેરા સોસાયટીના બે બંધ મકાનોમાંથી રૂા. 3 લાખની તસ્કરી

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
લીંબડીની બસેરા સોસાયટીના બે બંધ મકાનોમાંથી રૂા. 3 લાખની તસ્કરી 1 - image


- સતત બે દિવસ ત્રાટકેલા તસ્કરો સીસીટીવીમાં કેદ છતાં પકડાતા નથી

- બાજુના મકાન માલિક પર હથિયારધારી તસ્કરોએ પથ્થરમારો કર્યો : પોલીસ સામે સ્થાનિકોમાં રોષ

લીંબડી : લીંબડી પાવર હાઉસ રોડ પર આવેલી બસેરા સોસાયટીમાં બે બંધ મકાનોમાં તસ્કરો ત્રાટકીને સોનાના દાગીના અને રોકડ રકમ મળીને અંદાજે કુલ ૩ લાખ રૂપિયાના મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી દરમિયાન બાજુના મકાન માલિક જાગી જતાં તેમની ઉપર છરી જેવા તિક્ષ્ણ હથિયારો ધારણ કરેલા તસ્કરોએ પથ્થરમારો કર્યો હતો.

બસેરા સોસાયટીમાં રહેતાં જગદીશભાઈ દયારામભાઈ ચાવડાના પત્નીએ જણાવ્યું હતું કે, તેઓ લગ્ન પ્રસંગે બહાર ગયા હતા. તે સમયે તસ્કરોએ તેમના બંધ મકાનનાં તાળાં તોડીને પ્રવેશ કરી તિજોરી તેમજ બેડ તોડીને સોનાનો હાર, ચેન, વીંટી, બુટ્ટી સહિત અંદાજે ચારેક તોલા સોનું તથા રોકડ રકમ રૂપિયા ૬ હજાર મળીને કુલ રૂપિયા અંદાજે અઢી લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી હતી. તેમની બાજુના મકાનમાં રહેતાં નિઝામભાઈ રહીમભાઈ મુલતાની પણ લગ્ન પ્રસંગે બહાર ગયા હતા. તે સમયે તેમના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી ચાંદીના દાગીના અંદાજે ૪૦ હજારના મુદ્દામાલની ઉઠાંતરી કરી મકાનમાં તોડફોડ કરીને ફરાર થઈ ગયા.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગેની લીંબડી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરીને માત્ર અરજી ઉપર જ ફરિયાદ નોંધી હતી. ત્યારે પોલીસ તંત્ર દ્વારા તસ્કરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું છે. 

તસ્કરોએ તે જ વિસ્તારમાં ચોરી યથાવત રાખી હતી. જે બીજા દિવસે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં હાથ ધરવામાં આવી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. અને ભયનો માહોલ સર્જાયો હતો. 


Google NewsGoogle News