દિલધડક લૂંટના 48 કલાકમાં ચાર લૂંટારૂઓ ઝડપાયા, ૬ હજુ ફરાર

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
દિલધડક લૂંટના 48 કલાકમાં ચાર લૂંટારૂઓ ઝડપાયા, ૬ હજુ ફરાર 1 - image


- કુરિયર કંપનીની પીકઅપ વાનમાંથી 1.69 કરોડની મત્તા લૂંટી હતી

- લીંબડી પાસેના ચકચારી લૂંટ કેસના લૂંટારૂઓ ઉઘાડા પડયા, સુરેન્દ્રનગર, અમદાવાદ ,વડોદરા ક્રાઈમ બ્રાન્ચનું સંયુક્ત અચોપરેશન 

 સુરેન્દ્રનગર : તાજેતરમાં અમદાવાદ થી રાજકોટ તરફ જતી કાર્ગો કંપનીની બોલેરો પિકઅપ ગાડીને સુરેન્દ્રનગર જીલ્લાના કાનપરા ગામના પાટીયા પાસે રોકી અજાણ્યા શખ્શો દ્વારા ગાડીમાં ભરેલ અલગ અલગ કીમતી પાર્સલોની લૂંટ ચલાવી ગાડી સ્થળ પર જ મૂકી નાસી  છુટયા હતા.  આ ચકચારી લૂંટ કેસના આરોપીઓ પૈકી ૪ આરોપીઓને સુરેન્દ્રનગર પોલીસે લૂંટના મુદ્દામાલ અને લૂંટમાં વપરાયેલ હથિયારો અને વાહનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ હાઇવે પર રાજકોટ તરફ ગત તા.૬ માર્ચના રોજ જઈ રહેલા  એચ.એલ.કાર્ગો (કુરિયર) કંપનીની બોલેરો પીકઅપ વાનને રાતના સમયે કાનપરા ગામના પાટિયા પાસે બે કારમાં આવેલ અંદાજે ૭ થી ૮  અજાણ્યા શખ્શોએ કુરિયર કંપનીની ગાડી સાથે ઇરાદાપૂર્વક અકસ્માત સર્જી કુરિયર કંપનીની ગાડીને રોકી ચાલક અને કલીનરને ઢોર મારમારી બંદૂક બતાવી  લૂંટ ચલાવી હતી.

ફૂલ પાર્સલો પૈકી ૨૩ પાર્સલ જેમાં અંદાજે ૧૦૭ કિલો ચાંદી કિંમત રૂ.૬૮.૬૨ લાખ, ઇમિટેશનની આઈટમો રૂ.૧.૨૩ લાખ સહિત ફૂલ રૂ.૬૯.૮૬ લાખની કિંમતના મુદ્દામાલની લૂંટ ચલાવી નાશી છુટયા હતા. જે અંગે ભોગ બનનાર ચાલકે પાણશીણા પોલીસ મથકે ૦૭ થી ૦૮ અજાણ્યા શખ્શો સામે ફરિયાદ નોંધાવી હતી.

 જેને આધારે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડ સહિત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી અને હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સની મદદથી ચકચારી લૂંટના આરોપીઓ પૈકી ૦૪ આરોપીઓને માત્ર ૪૮ કલાકમાં લુંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .

અને અન્ય નાસતા આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જયારે હાઇવે પર લૂંટનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આ લૂંટના એક મહિલા સહિત અન્ય ત્રણ આરોપીઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પણ લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.

ઝડપાયેલ આરોપીઓ

(૧) ધર્મેશ ઉર્ફે ધમો ગણેશભાઈ ઝિંઝુવાડીયા, રહે. વઢવાણ

(૨) ફરિદ સુલેમાન મોમીન, રહે. જુહાપૂરા અમદાવાદ

(૩) મહમદઇમરાન મહમદઅખ્તર સૈયદ, રહે. જુહાપુરા, અમદાવાદ 

(૪) આરીફ મહંમદભાઇ સોરા, રહે. રાજકોટ

અન્ય નાસતા ફરતા લુંટના આરોપીઓ.

(૧) ફિરોજખાન ઉર્ફે લંગડો રજુદિન શેખ, રહે.મુંબઈ (મુખ્ય આરોપી)

(૨) શીવા ઉર્ફે મહાલીંગલ ઉર્ફે આફતાબ પીલ્લઈ રહે.સરખેજ, અમદાવાદ

(૩) સિકંદર હાસમ લંધા રહે. સરખેજ, અમદાવાદ

(૪) મજીદખાન મેદાદખાન પઠાણ રહે.જુહાપુરા, અમદાવાદ

(૫) શોએબ (મુખ્ય આરોપી ફિરોજનો ભત્રીજો)

(૬) ફિરોજ સાથે આવેલા અજાણ્યા શખ્સો

ઝડપાયેલ લુંટનો મુદ્દામાલ

સુરેન્દ્રનગર પોલીસે ચાર આરોપીઓ પાસેથી લૂંટના મુદ્દામાલ પૈકી ૭૩.૫ કિલો ચાંદી રૂપિયા ૪૭.૮૨ લાખ તેમજ ઇમિટેશન જ્વેલરી ૨.૯૫ કિલો તેમજ ૩ કાર, ૧ બાઈક,૧ દેશી હાથ બનાવટની પિસ્તોલ, ૧ દેશી હાથ બનાવટનો તમંચો, ૪ મોબાઈલ મળી ફૂલ રૂ.૬૧.૯૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો  . તેમજ લૂંટના મુખ્ય આરોપી ફિરોઝખાન ઉર્ફે લંગડો રજૂદિન શેખ રહે.મુંબઈવાળા સહિત અન્ય ૫ આરોપીઓ સહિત અજાણ્યા શખ્શોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

લુંટના આરોપીઓને ઝડપી પાડવાનો ઘટના ક્રમ

પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી જે દરમ્યાન બાતમીના આધારે વઢવાણ ખાતેથી આરોપી ધર્મેશ ઉર્ફે ધમો ઝીંઝુવાડીયાને લુંટની ૧૮ કિલો ચાંદી કિંમત રૂા.૧૨.૮૪ લાખ મુદ્દામાલ સાથે અને લુંટમાં ઉપયોગમાં લીધેલ કાર તેમજ દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લીધો હતો અને તેની પુછપરછ કરતા અન્ય શખ્સો વડોદરા તરફના હોવાનું કબુલાત કરતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ સાથે સંકલન કરી અન્ય ત્રણ આરોપીઓ અને મુદ્દામાલને વડોદરાથી ઝડપી પાડયા હતાં.


Google NewsGoogle News