હવેલીવાળી શેરીમાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
- ધ્રાંગધ્રામાં જુગારના બે અડ્ડા પર દરોડા
- હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી 12 હજારના મુદ્દામાલ સાથે જુગારી પકડાયો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરમાં ધ્રાંગધ્રા સિટી પોલીસ તેમજ એલસીબી દ્વારા અલગ અલગ જુગારના બે દરોડામાં જુગાર રમતા પાંચ શખ્સોને કુલ રૂા.૧૫,૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ધ્રાંગધ્રા શહેરનાં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતો ગુલામનબી હારૂનભાઇ સામતાણી પોતાના ઘર પાસે બહાર જાહેરમાં વર્લી મટકાના આંકફેરનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો.
જેમાં વર્લી મટકાના આંકફેરનો જુગાર રમાડી રહેલા ગુલામનબી સામતાણીને રોકડા રૂ.૧૦,૧૪૦ એક મોબાઇલ તથાં વર્લી મટકાના આંકડા લખેલી ચિઠ્ઠી સહીત કુલ રૂ.૧૨,૧૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
જ્યારે ધ્રાંગધ્રા શહેરની હવેલીવાળી શેરીમાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા ભરતભાઇ બુધાભાઇ દેપાળા, લગધીરસિંહ અજીતસિંહ પરમાર, સોમાભાઇ બીજલભાઇ પરમાર અને હિતેષભાઇ પરમાનંદભાઇ દેપાળાને ઝડપી લીધા હતા.
જ્યારે પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૩ હજાર અને જુગાર રમવાનું સાહિત્ય કબજે કર્યું હતું. જો કે જુગારના સ્થળેથી માત્ર રોકડ રકમ જ ઝડપાતા અને મોબાઇલ કે વાહન સહીત અન્ય કોઇ મુદ્દામાલ ન ઝડપાતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.