લાખચોકિયા ગામે વ્યક્તિ પાસે ખંડણી માંગનાર ચાર શખ્સો ઝડપાયા
- પોલીસને પડકાર ફેંકતા શબ્દો ઉચ્ચાર્યા હતા
- મોબાઈલ ટાવર નાખવા બાબતે ખંડણી માંગી દાદાગીરી કરી હતી
સુરેન્દ્રનગર : ચોટીલાના લાખચોકીયા ગામે વ્યક્તિના ઘરે જઈ હથિયારો બતાવી ખંડણી માંગનાર ચાર શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચારેય શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાખચોકીયા ગામે રહેતા ફરિયાદી ગોવિંદભાઈ સોમાભાઈ પરમારની માલીકીની જમીનમાં ખાનગી કંપનીનું મોબાઈલ ટાવર મંજુર થયો હતો. જે બાબતે ગામમાં રહેતા ચંદ્રદિપભાઈ ઉર્ફે ધુધાભાઈ ભાભલુભાઈ ખાચર, અમરદિપભાઈ ઉર્ફે રમભાઈ પ્રતાપભાઈ ખાચર, કુલદિપભાઈ ભાભલુભાઈ ખાચર અને રવિભાઈ શિવરાજભાઈ ખાચરે ફરિયાદીના ઘરે જઈ છરી અને ધોકા દેખાડી ટાવર નાખવા બાબતની ખંડણી માગી હતી.
તેમજ ફરિયાદી અને તેમના પરિવારને અપશબ્દો બોલ્યા હતા. જે બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમજ ચોટીલા પોલીસને પડકાર ફેંકતા હોય તેવા શબ્દો બોલ્યા હતા. જે અંગે ફરિયાદ નોંધાતા ચોટીલા પોલીસે ખંડણી માંગનાર ચારેય શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.