Get The App

સુરેન્દ્રનગરમાંથી ચોરીના પાંચ બાઇકો સાથે ચાર શખ્સો ઝડપાયા

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાંથી ચોરીના પાંચ બાઇકો સાથે ચાર શખ્સો ઝડપાયા 1 - image


- એલસીબીએ બાતમીના આધારે ઝડપી લીધા

- ચોરીના બાઇકો ખરીદનારા ત્રણ શખ્સો સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ

સુરેન્દ્રનગર :  લીંબડી તાલુકામાંથી ચાર શખ્સોને ચોરીના પાંચ બાઈક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. કુલ એક લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ચોરીના બાઇક ખરીદનારા અન્ય ત્રણ શખ્સો સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

એલસીબી પીઆઈ સહિતના સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી વાહનચોરીના આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન લીંબડી પોલીસ મથકની હદમાં બાતમીના આધારે મીનેશ પરમાર અને તેનો મિત્ર વિશાલ વાઘેલા બન્ને રહે.લીંબડીવાળા હાઈવે પર આવેલ એક હોટલ પાસેથી ચોરીના બાઈક સાથે પસાર થવાના હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી .

જે દરમ્યાન શંકાસ્પદ હાલતમાં બન્ને બાઈક પર પસાર થતા તેને રોકી પુછપરછ હાથધરી હતી અને બાઈકની આર.સી. બુક તેમજ જરૂરી કાગળો માંગતા પોતાની પાસે નહિં હોવાનું જણાવ્યું હતું અને અસ્પષ્ટ જવાબો આપતા પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી તપાસ કરતાં પોતાની પાસે રહેલ બાઈ ચોરીનું હોવાનું જણાઈ આવતાં વધુ પુછપરછ હાથધરી હતી.

જેમાં બન્ને શખ્સો ભાંગી પડયા હતાં અને અન્ય બાઈકચોરીની પણ કબુલાત કરી હતી અને ચોરી કરેલા બાઈક લીંબડી ખાતે આવેલ કુલદિપસિંહ રાણાની ગેરેજ ખાતે રાખ્યા હોવાનું જણાવતા ત્યાં જઈ તપાસ કરતા કુલદિપસિંહ પણ હાજર મળી આવ્યા હતા અને અન્ય ચોરીના બાઈકો પણ સ્થળ પર જણાઈ આવ્યા હતાં.

આ ઉપરાંત બે બાઈકની ચોરીકરી મોટા ટીંબલા ખાતે રહેતા યશપાલસિંહ ઝાલાને વેચ્યા હોવાનું જણાવતા પોલીસે તેમને પણ ઝડપી પાડયા હતાં. આમ એલસીબી પોલીસે બાઈકચોરીના ગુન્હામાં સંડોવાયેલ (૧) મીનેષભાઈ પરવેઝભાઈ પરમાર (૨) વિશાલભાઈ બળદેવભાઈ વાઘેલા (૩) કુલદિપસિંહ રાણા (ગેરેજ ધરાવનાર) અને (૪) યશપાલસિંહ ઝાલા (બાઈક ખરીદનાર)ને ચોરીના પાંચ બાઈક કિંમત રૂા.૧ લાખ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાં હતાં. 

આ સિવાય અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલ ત્રણથી વધુ બાઈક રણછોડભાઈ પગી, સુરપાલસિંહ ઝાલા અને દિગ્વિજયસિંહ ઝાલાને વેચ્યા હોવાનું બહાર આવતા પોલીસે તેમની સામે પણ ગુન્હો નોંધી ઝડપી પાડવાની તજવીજ હાથધરી હતી. આ સમગ્ર કામગીરીમાં એલસીબી પીઆઈ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી.એસ.સ્વામી સહિત સ્ટાફના વિજયસિંહ પરમાર, ગોપાલસિંહ ઝાલા, ભરતભાઈ, કુલદિપભાઈ, કરશનભાઈ સહિતનાઓ જોડાયા હતાં.


Google NewsGoogle News