વઢવાણમાં દુકાનમાં ચોરી કરનાર ત્રણ મહિલા સહિત ચાર ઝડપાયા
- દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ચોરી કરી હતી
- પોલીસે સોના-ચાંદીના દાગીના સહિત 1.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સુરેન્દ્રનગર : વઢવાણમા સોની વેપારીની દુકાનમાં ગ્રાહક બની આવેલા ત્રણ મહિલાઓ વેપારીની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. આ ચોરીના ભેદ વઢવાણ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખી ચોરીમાં સંડોવાયેલા ૩ મહિલાઓ અને ૧ પુરૃષ સહીત ૪ ને ઝડપી લીધા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા સોનાના દાગીના તેમજ ચોરીમાં વપરાયેલી કાર સહીત કુલ રૃપિયા ૧.૯૦ લાખનો મુદ્દામા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
વઢવાણ શહેરની મધ્યમાં આવેલા સોની વેપારીની દુકાનમાં ગ્રાહક બની આવેલા ત્રણ મહિલાઓ વેપારીની નજર ચૂકવી સોનાની બુટી તેમજ કડી સહિત કુલ રૃપિયા ૪૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. આ મામલે સોની વેપારીએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુકાનના સીસીટીવી ફુટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં સીસીટીવી ફુટેજમાં દેખાતી મહિલાઓ ગોંડલની હોવાની વિગતો બહાર આવતા વઢવાણ પોલીસે ગોંડલ નવા માર્કેટ યાર્ડ સામે આવેલી ખોડીયાનગર શેરી નંબર ૧ માં રહેતા ધીરુભાઈ વશરામભાઇ સોલંકી, મનીષાબેન ધીરુભાઇ સોલંકી, ગૌરીબેન રમેશભાઇ વાઘેલા અને તારાબેન વીનુભાઇ સોલંકીને ઝડપી લઇ પુછપરછ કરતા તેમણે ચોરી કર્યાની કબુલાત કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા સોનાના દાગીના તેમજ ચોરી કરવામાં ઉપયોગમાં લેવાયેલી એક કાર સહીત રૃપિયા ૧.૯૦ લાખ રૃપિયાના મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.
પતિ અને પત્ની સામે અગાઉ પણ ગુના નોંધાયા હતા
ઝડપાયેલા ૪ આરોપી પૈકી બે આરોપી ધીરુભાઈ સોલંકી અને મનિષાબેન સોલંકી પતિ પત્ની છે અને બન્ને વિરૃધ્ધ અલગ અલગ પોલીસ મથકે અલગ અલગ ગુના નોંધાયેલા છે. ધીરુભાઈ વિરૃધ વાહનચોરીનો તેમજ મનીષાબેન વિરૃધ્ધ ચોરીનો ગુનો નોંધાયેલો છે.
શંકા ન જાય તે માટે કારમાં ખરીદી કરવા જતાં
ગોંડલમાંથી ઝડપાયેલી ટોળકી ચોરી કરવા જાય ત્યારે ખાસ મોડસ ઓપરેન્ડી અજમાવતા હતા. ચોરી કરવા માટે ત્રણ મહિલાઓ અને એક પુરુષ સહિતના કુલ ૪ વ્યક્તિઓ ખરીદી કરવા જતાં હતાં. વેપારીઓને શંકા ન જાય તે માટે કાર લઇ ઠાઠમાઠમાં ખરીદી કરવા જતાં જેથી વેપારીઓને તાત્કાલિક એવી શંકા ન જાય કે ગ્રાહકના સ્વાંગમાં આવેલા લોકો ચોરી કરવાના ઇરાદે આવ્યા છે. જોકે, ટોળકી વઢવાણ પોલીસના હાથે ચડી જતાં આરોપીઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.