પાટડીના વણોદમાં દૂધ મંડળીના સહમંત્રી પર સભાસદ સહિત ચારનો હુમલો
- મંડળીમાં દૂધ ભરવાને લઇ વાત વણસી
- સભાસદે સહમંત્રીની હાથની આંગળીમાં બચકુ ભરી લીધું : ચાર સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના વણોદ ગામની દૂધ મંડળીમાં દૂધ ભરવા આવેલા મંડળીના સભાસદે મંડળીના સહમંત્રી સાથે ઝઘડો કર્યોે હતો. મામલો વણસી જતાં સભાસદે અન્ય ૩ શખ્સોને બોલાવી ચારેય શખ્સોએ સાથે મળી સહમંત્રીને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
દસાડા તાલુકાના વણોદ ગામની દૂધ મંડળીમાં સહમંત્રી તરીકે ફરજ બજાવતા મુકેશભાઇ ગણપતભાઇ દલવાડી દૂધ મંડળીમાં ફરજ બજાવી રહ્યાં હતા. તે દરમિયાન વાલેવડા ગામના ધીરૃભાઇ જકશીભાઇ ભરવાડ છકડામાં દૂધના ચાર કેન લઇને આવ્યા હતાં. મુકેશભાઇના કેનમાં ભરેલા દૂધની ચકાસી કરતાં એક કેનમાં દૂધ બરાબર નહોતું લાગ્યું હતું. ધીરુભાઈ દૂધ ભરવામાં ઉતાવળ કરતા મુકેશભાઇએ તેમને શાંતિ રાખવાનુ કહેતા અપશબ્દો બોલવા લાગ્યા હતાં.
મુકેશભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ધીરુભાઇએ મુકેશભાઇના ડાબા હાથની આંગળીમાં બચકુ ભરી લીધું હતું અને ધીરુભાઈએ ફોન કરી અન્ય ૩ માણસોને બોલાવી લીધા હતા અને ચારેય શખ્સોએ સાથે મળી માર માર્યોે હતો. જેમાં મુકેશભાઇને ઇજાઓ પહોંચતા દસાડા પોલીસ મથકે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત મુકેશભાઇએ દસાડા પોલીસ મથકે ધીરુભાઇ જકશીભાઇ ભરવાડ, કિશનભાઇ ભરવાડ, સાગરભાઇ ધીરુભાઈ ભરવાડ અને એક અજાણ્યા શખ્સ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.