દ્વારકાધીશનાં દર્શને જતા પાટડી તાલુકાના ચાર પદયાત્રી કારની અડફેટે લીધા
- દ્વારકા નજીક મુળવાનાથની જગ્યા પાસે અકસ્માત
- પાટડીના ત્રણ ગામના ભાવિકો પગપાળા જતા હતા ત્યારે પૂરઝડપે ધસી આવેલી કાર અડફેટે ફ્રેક્ચર સહિતની ઈજા થઇ
ખંભાળિયા : યાત્રાધામ દ્વારકા ખાતે દર્શનાર્થે જઈ રહેલા સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકાના ચાર પદયાત્રીકોને કારચાલકે હડફેટે લેતાં અફડા-તફડી મચી ગઈ હતી. ગંભીર અક્માતમાં ઈજા પામેલા ચારેય પદયાત્રીકોને તુરંત સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
દ્વારકા ખાતે કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે સંઘમાં નીકળેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મીઠાભાઈ હરિભાઈ આલ નામના ૩૯ વર્ષના રબારી યુવાન તથા તેમની સાથે જઈ રહેલા જુદા જુદા ત્રણ ગામોના પદયાત્રીકો ગઈકાલે ગુરુવારે સાંજના સમયે દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર મૂળવાનાથની જગ્યા પાસે પહોંચ્યા હતા.
અચાનક અહીં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા આઈ-૨૦ મોટરકારના ચાલકે તેઓને અડફેટે લેતા અફડા-તફડી મચી ગઈ હતી. આ ટક્કરમાં રઘુભાઈ વળાભાઈ ભુંગોર, વીરાભાઈ ગણેશભાઈ આલ, નરસંગભાઈ ભગવાનભાઈ ભુંગોર અને ધીરુભાઈ દેવાભાઈ ઠાકોરને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે મીઠાભાઈ રબારીની ફરિયાદ પરથી આઈ-૨૦ કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.