પાટડીના રામગ્રી ગામના ખેડૂતનું અપહરણ કરી ચાર શખ્સોએ રૃા. 25 લાખની ખંડણી માગી
- ખેડૂતના ઘરે જઇ રૃા. 2.5 લાખ બળજબરીથી કઢાવી લીધા
- અપહરણકર્તાઓએ કપાસના વેચાણ પેટેના રૃપિયા આપવાના બાકી હોવાનો વીડિયો પણ બનાવી લીધો : ચાર સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના રામગ્રી ગામના ખેડૂત કારમાં ધ્રાંગધ્રાથી રામગ્રી તરફ જઇ રહ્યાં હતાં તે દરમિયાન બાઇકમાં આવેલા ૪ શખ્સોએ ખેડૂતનું અપહરણ કર્યું હતું. અપહરણકારોએ રૃ.૨૫ લાખની ખંડણી માંગી ખેડૂતના ઘરે જઇ રૃપિયા અઢી લાખ બળજબરીથી કઢાવી લીધા હતાં. તેમજ ખેડૂતને અપહરણકારોને રૃપિયા ૧૯ લાખ કપાસના વેચાણ પેટે આપવાના બાકી હોવાનો વિડીયો પણ બનાવી લીધો હતો. ત્યાર બાદ ખેડૂતને મુક્ત કરી દેવામાં આવતા ખેડૂતે બજાણા પોલીસ મથકે ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ પોલીસે આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
પાટડી તાલુકાના રામગ્રી ગામના ખેડૂત જયંતીભાઇ કલ્યાણભાઇ આસજોલીયા ધ્રાંગધ્રાથી પોતાની કાર લઇ રામગ્રી ગામ તરફ આવી રહ્યાં હતાં. તે દરમિયાન કચોલીયા કમાલપુર રોડ પર પહોંચતા બે બાઇકમાં ધસી આવેલા ભાણજીખાન ઉર્ફે ભનીયો મુરીદખાન મલેક અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ જયંતીભાઇની કાર ઉભી રખાવી તેમાં બે માણસો બળજબરીથી બેસી જઇ જયંતિભાઇનું અપહરણ કરી કચોલીયા સિધ્ધસર રોડ પર લઇ ગયાં હતાં. જ્યાં ભાણજીખાન સહીતના તમામ ૪ શખ્સોએ માર મારી રૃા.૨૫ લાખની માંગણી કરી હતી અને જો રૃપિયા ન આપે તો અહી જ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને મોબાઇલમાં વિડીયોમાં કપાસના વેચાણ પેટે રૃા.૧૯,૮૨,૦૦૦ આપવાના બાકી હોવાની કબુલાત કરતો વિડીયો પણ બનાવ્યો હતો. ત્યાર બાદ બે અજાણ્યા શખ્સો જયંતિભાઇ સાથે તેમના ઘરે ગયા હતાં અને ત્યાંથી બળજબરીથી રૃપિયા અઢી લાખ રોકડા લઇ લીધા હતાં. અને ત્યાંથી કારમાં બેસાડી કમાલપુર તરફ લઇ જઇ ત્યાં જયંતીભાઇને છોડી મુકો ચારેય શખ્સો ફરાર થઇ ગયાં હતાં. આ મામલે ભોગ બનનાર જયંતિભાઇએ ભાણજીખાન સહીત કુલ ૪ શખ્સો વિરૃધ્ધ બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
ફરિયાદીના ઘરે ચોરીના બનાવમાં પણ ભાણજીખાનની સંડોવણીની આશંકા
અપહરણનો ભોગ બનનાર જયંતીભાઇના ઘરે અંદાજે બે માસ પહેલા ચોરી થઇ હતી જે બનાવ અંગે જયંતિભાઈએ ભાણજીખાન વિરૃધ્ધ ચોરીની ફરીયાદ નોંધાવી હતી તે બાબતનું જ મનદુઃખ રાખી અપહરણ કરી ખંડણી માંગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.