એલ્યુમિનિયમના વાયર ચોરી કરતી કચ્છની ગેંગના ચાર સભ્યો ઝડપાયા

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
એલ્યુમિનિયમના વાયર ચોરી કરતી કચ્છની ગેંગના ચાર સભ્યો ઝડપાયા 1 - image


- લીંબડી હાઈવે પરથી ઝડપી પાડયા 

- જેટકો સબ સ્ટેશનની લાઈનમાંથી ચોરેલા વીજ વાયર સહિત 12.43 લાખનો મુદ્દામાલ જપ્ત 

સુરેન્દ્રનગર : લીંબડીના ચોરણીયા ગામના પાટિયા પાસે જેટકો સબ સ્ટેશનની લાઈનમાંથી એલ્યુમિનિયમના વાયરની ચોરી કરનાર કચ્છની ગેંગના ચાર સભ્યોને સુરેન્દ્રનગર એલસીબીએ લીંબડી હાઈવે પરથી ઝડપી પાડયા હતા. પોલીસે કુલ રૃ.૧૨.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લાઈનના એલ્યુમિનિયમના વાયરની ચોરીના બનાવો વધતા સુરેન્દ્રનગર એલસીબીએ તપાસ હાથ ધરી હતી. જેમાં વાયર ચોરીમાં કચ્છના નાના વરનોરા ગામની ગેંગ સંડોવાયેલી હોવાની બાતમીના આધારે એલસીબીએ લીંબડી હાઈવે પર વોચ ગોઠવી હતી. 

એલસીબીએ ગેંગના સિકંદરભાઇ મામદભાઇ મોખા, નદીમ અલીમામદભાઇ મોખા, અસલમભાઇ ઉર્ફે અસલીમભાઇ રાણાભાઇ મોખા અને મામદભાઇ જુસબભાઇ ત્રાયા (તમામ રહે. નાના વરનોરા, કચ્છ)ને વીજ લાઈનના ૧,૧૬૦ મીટર વાયર સાથે ઝડપી પાડયા હતા. 

શખ્સોની પુછપરછ કરતા લીંબડીના ચોરણીયા ગામના પાટિયા પાસે જેટકો સબ સ્ટેશનની લાઈનમાંથી આ વાયર ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. જેથી એલસીબીએ વાયર, પીકઅપ ગાડી, મોબાઈલ સહિત કુલ રૃ. ૧૨,૪૩,૦૮૦નો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. 

આ ગેંગના સભ્યો વિરૃદ્ધ અગાઉ ભુજ, દુધઇ, માનકુવા, ગાંધીધામ, નલીયા, ભચાઉ, નિરોણા, ખાવડા અને માધાપર પોલીસ મથકે પણ ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.



Google NewsGoogle News